ગણતંત્ર દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણતંત્ર પર્વની ઉજવણી દેશમાં રવિવાર એટલે કે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિના દિવસથી જ કરી દેવામાં આવી છે. ત્યારે હવે ગણતંત્ર પર્વની ઉજવણીને લઇને નવો વિવાદ સામે આવ્યો છે. વર્ષ 2022ની ગણતંત્ર દિનની પરેડમાં પાંચ બિનભાજપ શાસિત રાજ્યોની ઝાંખીનો સમાવેશ નહીં કરાતાં પાંચેય રાજ્યોના મુખ્યમંત્રીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. પત્રોમાં આક્ષેપ કર્યા છે કે અમે વિપક્ષમાં હોવાથી અમારાં રાજ્યોના ટેબ્લોને સ્થાન અપાયું નથી.
આઝાદીના ઈતિહાસમાં પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડમાં પોલિટિક્સ થયું છે. રાષ્ટ્રભાવનના મંચ પર પોલિટિક્સના ડાઘ લાગ્યા છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા મોટા રાજ્યોના ટેબ્લો રાખવાની મનાઈ કરાઈ છે. મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને કહ્યું કે ઝાંખીને કોઈપણ કારણ વિના નકારી કાઢવામાં આવી છે. બંગાળ તો સુભાષચંદ્ર બોઝના જીવન પરની ઝાંખી દર્શાવવા માગતું હતું, તેને નકારી દેવામાં આવી છે તે બંગાળની જનતાનું અપમાન છે. તો વળી તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું કે તામિલનાડુનાં રાણી વેલુ નાચિયારની પ્રતિમા દર્શાવતી ઝાંખી મૂકવાની હતી. આ સમગ્ર વિવાદબાદ દેશના રક્ષામંત્રીએ રાજનાથસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી પાંચયે રાજ્યોના મુખ્યમંત્રીઓને જવાબી પત્રો લખ્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે 56 ટેબ્લોની દરખાસ્ત આવી હતી,એમાંથી 21 ઝાંખીની પસંદગી થઈ છે. એવું નથી કે વિપક્ષી રાજ્યોના ટેબ્લો રદ્દ કરાયા છે.