51 શક્તિપીઠમાંથી એક પાવાગઢના ટોચ પર બિરાજમાન મહાકાળી માતાના દર્શન કરવા માટે દેશનાં ખૂણે-ખૂણેથી સેંકડો ભક્તો આવે છે. માતાના દર્શન કરીને બાધા પૂરી કરી ધન્યતા અનુભવે છે. અહી માનાં જમણા પગની આંગળી પડી હોવાની માન્યતા રહેલી છે. ત્યારે આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેને ભવ્ય, વિશાળ તેમજ તમામ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે. જ્યાં વર્ષો બાદ 18 જુને વડાપ્રધાન નરેન્દ્રમોદીનાં હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ, ધાર્મિક તીર્થસ્થાન અને પ્રાકૃતિક સૌંદર્યધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપા જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આશરે 2300 પગથિયા ચઢીને માતાનાં દર્શન કરવા જઈ શકાય છે તો રોપ વે દ્વારા પણ આ મંદિર સુધી પહોંચી શકાય છે. અને ભક્તો પણ શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઉંચે આવેલું છે. જેની આસપાસનું વાતાવરણ ખુબ જ સુંદર અને મનમોહક છે
અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે. આ મંદિરની જો ખાસ વાત કરવામાં આવે તો અહીં આસપાસ ત્રણ જેટલા તળાવ આવેલા છે. અહીંનું એક તળાવનું પાણી અહીં દૂઘ જેવું દેખાતા તે તળાવને દૂધીયા તળાવ તરીકે ઓળખવામાં આવે છે. બીજા તળાવનું પાણી છાશ જેવું દેખાતા તેનું નામ છાશીયું તળાવ પડાયું હતું. જયારે કે અન્ય તળાવનું પાણી તેલ જેવું ચીકણું હોવાથી તે તળાવ તેલીયા તળાવ તરીકે ઓળખાય છે .જેનું પણ હાલમાં બ્યુટિફિકેશન કરવામાં આવ્યુ છે.
પાવાગઢ મંદિરનાં રિનોવેશન બાદ તેનું ખંડિત શિખર ફરી બનાવવામાં આવ્યુ છે અને આશરે 450 વર્ષ પછી તેના શિખર પર ધ્વજા રોહણ થવા જઈ રહ્યુ છે. તો મંદિરનાં કાયાપલટ થયા બાદ તેની વિશેષતાની વાત કરીએ તો તો મંદિર પર ચઢાવેલા ઢોળની કુલ 13 કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર 6 ફૂટનો એક કળશ અને ધ્વજા દંડ પર 1.50 કિલોનો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે. તો અન્ય શિખરો પર 2 ફૂટના 7 સોનાના ઢોળ ચઢાવેલા કળશ સ્થાપીત કરાયા છે. અન્ય 2-2 ફૂટના 7 કળશ પર રૂ. 7 કરોડના 1 કિલો 400 ગ્રામ સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યા છે.