બેંગલુરુના શેરાટોન ગ્રાન્ટ વ્હાઇટફિલ્ડમાં રમાયેલી પ્રો કબડ્ડી લીગની 13મી મેચમાં દબંગ દિલ્હી કેસી અને ગુજરાત જાયન્ટ્સની મેચ ટાઇ રહી હતી. દિલ્લી તરફથી નવીન કુમારે 11 રેડ પોઇન્ટ હાંસલ કર્યા હતા અને તે સતત ત્રીજી મેચમાં સુપર રેડ પુરી કરવામાં સફળ રહ્યા હતા. દિલ્હીની ડિફેન્સ આજે પુરી રીતે નિષ્ફળ રહી હતી. બીજી તરફ ગુજરાત જાયન્ટ્સ તરફથી રાકેશ રનવાલે નવ પોઇન્ટ હાંસલ કર્યા તો રાકેશ અને સુનિલ કુમારે 4-4 પોઇન્ટ હાંસલ કર્યા હતા આ ટાઇ સાથે દબંગ દિલ્લી પોઇન્ટ ટેબલમાં 13 પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાન પર પહોંચી ગઇ છે જ્યારે ગુજરાત જાયન્ટ્સ ત્રીજા સ્થાન પર છે.
દબંગ દિલ્લી કેસીએ ટોસ જીત્યો અને રાકેશ નરવાલે પ્રથમ રેડ મારી હતી અને સંદીપ નરવાલે તેને ટેકલ કરી દિલ્હીનું ખાતુ ખોલાવ્યું હતું. નવીને પ્રથમ જ રેડમાં સફળતા પ્રાપ્ત કરી અને ટીમને બે પોઇન્ટ અપાવ્યા હતા પાંચ મિનિટની રમત બાગ ગુજરાત જાયન્ટ્સે વાપસી કરી અને રાકેશ નરવાલની શાનદાર રેડના કારણે ગુજરાતને 5-4થી આગળ કરી દીધી હતી. 10 મિનિટની રમત બાદ ગુજરાત જાયન્ટ્સ અને દબંગ દિલ્હી કેસી 7-7 પર હતી જેમાં રાકેશ નરવાલે ચાર સફળ રેડ કરી હતી તો દિલ્હી તરફથી નવીને 5 રેડ પોઇન્ટ્સ હાંસલ કર્યા હતા.
મેચની અંતિમ મિનિટોમાં બંન્ને ટીમો 23-23 પર હતી. રાકેશ નરવાલે ડૂ ઔર ડાઇમાં એક પોઇન્ટ મેળવી ટીમને આગળ કરી દીધી હતી પરંતુ નવિન કુમારે શાનદાર રેડ કરી મેચને ટાઇ કરવામાં સફળતા મેળવી હતી.