ભારીતય ટીમના ખેલાડી ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની મજબૂત કડી માનવામાં આવતા હતા, પરંતુ હવે કદાચ એવું નહીં હોય. છેલ્લા બે વર્ષથી ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા પૂજારા અને રહાણેનો ફ્લોપ શો ચાલુ છે. બેટથી ખરાબ પ્રદર્શન છતાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પ્રથમ ટેસ્ટમાં સેન્ચુરિયન ટેસ્ટમાં બંને બેટ્સમેનોને તક આપી હતી. પૂજારા-રહાણે બંન્ને બેટથી વધુ કંઈ કરી શક્યા નહોતા, આમ છતાં જોહાનિસબર્ગ ટેસ્ટમાં બંનેને તક આપવામાં આવી હતી પરંતુ પુજારા-રહાણે ફરી નિષ્ફળ સાબિત થયા હતા.
જોહાનિસબર્ગ ટેસ્ટના પ્રથમ દાવમાં પૂજારા 3 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, અજિંક્ય રહાણે પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. આ બંનેના વહેલા આઉટ થયા બાદ ફરી એકવાર સવાલ એ ઉઠી રહ્યો છે કે શું રહાણે-પુજારાને ટેસ્ટ ટીમમાં સ્થાન મળશે? જોહાનિસબર્ગ ટેસ્ટમાં કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કરે આ સવાલનો જવાબ ઈશારામાં આપ્યો. સુનીલ ગાવસ્કરે કહ્યું કે હવે ફોર્મમાં રહેલા બેટ્સમેનોને અજમાવવાની તક આવી છે.
સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે, ‘આ બે વિકેટ બાદ કહી શકાય કે કદાચ આગામી ઇનિંગ્સ પુજારા-રહાણે માટે ટેસ્ટ કારકિર્દી બચાવવાની છેલ્લી તક હશે. બંનેના ટેસ્ટ ટીમમાં સ્થાન પર પહેલાથી જ પ્રશ્નાર્થ ચિન્હ હતા, હવે આ ફ્લોપ શો બાદ લાગે છે કે તેમની પાસે માત્ર છેલ્લી તક બચી છે.
સુનીલ ગાવસ્કરે બંને ખેલાડીઓના પ્રદર્શન પર ટીપ્પણી કરી હતી. વર્ષ 2020-21ની ટેસ્ટ સીઝનથી જ રહાણેના આંકડા ખૂબ જ ખરાબ છે. 2020-21માં રહાણેએ 8 ટેસ્ટમાં 29.23ની એવરેજથી 380 રન બનાવ્યા હતા. 2021માં રહાણેએ 5 ટેસ્ટમાં માત્ર 19.22ની એવરેજથી 173 રન બનાવ્યા હતા. હવે વર્તમાન સિઝનમાં રહાણેએ 21.40ની એવરેજથી 107 રન બનાવ્યા છે.