કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર (Puneeth Rajkumar)નું નિધન થયુ છે. હાર્ટ એટેક આવતા કન્નડના સુપરસ્ટારનું નિધન થયુ હતુ. પુનીત રાજકુમાર માત્ર 46 વર્ષના હતા. બોલિવૂડ સેલેબ્સથી લઇને સાઉથ ઇન્ડસ્ટ્રીના લોકો તેમના મોતના સમાચાર સાંભળી દુખ વ્યક્ત કરી રહ્યા છે. પુનીતના નિધન બાદ કર્ણાટક સરકારે હાઇએલર્ટ જાહેર કર્યુ છે. પુનીત 30થી વધુ કન્નડ ફિલ્મમાં કામ કરી ચુક્યો છે.
શુક્રવાર સવારે પુનીત રાજકુમારને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ તેણે બેંગલુરૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ખબર પડી કે પુનીત રાજકુમારને હાર્ટ એટેક આવ્યો છે અને સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ.
ફેન્સ વચ્ચે પુનીતને અપ્પુ અને પાવર હાઉસના નામથી ઓળખવામાં આવતો હતો. લોકો સોશિયલ મીડિયા પર સતત પુનીત રાજકુમારના નિધન પર કઇને કઇ લખી રહ્યા છે અને તેના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. એક્ટરના નિધન બાદ કર્ણાટક સરકારે હાઇએલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે જ તમામ થિયેટરને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કર્ણાટકમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે.