ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદ પહોંચ્યા હતા. આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કરવા પહોંચેલા રાહુલ ગાંધીનું અહીં આદિવાસી પરંપરાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું. તેમને ચાંદીનો કંદોરો પહેરાવાયો હતો. પરંપરાગત આદિવાસી નૃત્ય કરી, આદિવાસી પોષાક પહેરાવી તેમનું સ્વાગત કરાયું હતું. ફૂલ હાર, તીરકમાન પણ અપાયા હતા. રાહુલ ગાંધીએ દાહોદથી આદિવાસી સત્યાગ્રહ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. અને હુંકાર કર્યો કે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવશે તો આદિવાસીઓ કહેશે એમ થશે.
ગુજરાતમાં 182માંથી 27 બેઠકો પર આદિવાસી પ્રભુત્વ છે.. રાજ્યમાં 15 ટકા વસ્તી આદિવાસીઓની છે ત્યારે આદિવાસીઓને રીઝવવા તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આમ તો તો આદિવાસી બેઠક, કોંગ્રેસનો ગઢ હતી પણ વર્ષ 2017 બાદ કુલ 27 પૈકી હવે માત્ર 12 બેઠકો જ કોંગ્રેસ પાસે રહી છે ત્યારેત્ત્યારે આ બેઠકો વધારવા કોંગ્રેસે કમર કસી છે અને એટલે જ ચૂંટણી પ્રચારની શરૂઆત દાહોદથી કરાઇ છે.
રાહુલ ગાંધી ગુજરાત આવ્યા અને વિવાદમાં ઘેરાયા હતા. વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસનાં કાર્યકરોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું ત્યારે સુતરની આંટી તેમને પહેરાવી તો રાહુલ ગાંધીએ હાથથી સુતરથી આંટીનો સ્વીકાર કર્યો. બીજી તરફ રાહુલ ગાંધીએ બેઠક પૂર્ણ થયા બાદ સુતરની આંટી સીડીનાં કઠેડા પર જ મૂકી દીધી હતી. સભા પહેલાં ગળામાં આંટી ન પહેરી અને સભા બાદ સીડી પર આંટી મૂકી દેતા વિવાદ વકર્યો હતો. આ મુદ્દે ભાજપનાં ભરત ડાંગરે ટ્વીટ કરીને કહ્યું કે ‘ મહાત્મા ગાંધીજીની અટક ધારણ કરીને વર્ષો સુધી જે પરિવારે દેશ પર હુકુમત ચલાવી તેમના ફરજંદને પુજ્ય બાપુની પ્રિય ખાદીની આંટી પહેરવામાં પણ તકલીફ છે? તે પણ ગુજરાતમાં?’ ત્યારબાદ બંને પક્ષો વચ્ચે વાક્પ્રહાર ચાલ્યા..