ગુજરાત અને રાજ્યના મખ્ય શહેરોમાં રોજે રોજ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. વધતાં સંક્રમણ વચ્ચે પશ્ચિમ રેલવેમાં ગુજરાત અમદાવાદ મંડળે વિચિત્ર નિર્ણય કર્યો છે. જેની સીધી અસર હવે સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પડશે. રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે કે અમદાવાદ મંડળ અંતર્ગત આવતા રેલવે સ્ટેશનો પર હવે પ્લેટફોર્મ ટિકીટનો દર 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરાયો છે.
પ્લેટફોર્મ ટિકીટ દર વધારાના નિર્ણય લેવાનું અમદાવાદ રેલવે મંડળે કોરોના સંક્રમણ ગણાવ્યુ છે. રેલવેએ દાવો કર્યો છે, કે કોરોના સંક્રમણ વધતાં લોકો વધુ પ્રમાણમાં રેલવે પ્લેટફોર્મ પર એકત્રિત ન થાય. જેટલા ઓછા લોકો પ્લેટફોર્મ હાજરી આપશે તેટલું ઓછુ સંક્રમણ ફેલાશે. આવતીકાલ એટલે કે 18 મી જાન્યુઆરીના દિવસથી જ રેલવે દ્વારા લેવાયેલો નિર્ણય લાગુ કરી દેવાશે. એટલે કે આજે રાત્રે કોઈ મુસાફર સાથે કોઈ વ્યક્તિ રેલવે પ્લેટફોર્મ પર પહોંચશે તો તેને 30 રૂપિયા આપીને પ્લેટફોર્મ પર જવાનું રહેશે.
અત્યારે અમદાવાદ મંડળ અંતર્ગત આવતા અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભૂજ, મણીનગર અને સાબરમતી સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટનો દર 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરાયો છે. સાથે સાથે રેલવે ઑથોરિટી દ્વારા મુસાફરોને વિનંતી કરાઈ છે કે, પ્લેટફોર્મ અને સ્ટેશનો તથા ટ્રેનોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરે.
ઉલ્લેખનીય છે કે, પહેલાં પણ કોરોના મહામારીના પગલે રેલવે દ્વારા અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. કોરોના કાળમાં ઘણાં સમય સુધી ટ્રેનો બંધ કરવામાં આવી હતી. આ સિવયા તમામ ટ્રેનોના નંબર બદલીને તેમને સ્પેશિયલ કેટેગરીમાં કરી દેવામાં આવી હતી. આ સાથે જ ટ્રેનની ટિકિટની કિંમતોમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો. જો કે કોરોના સંક્રમણની સ્થિતિ થાળે પડ્યા બાદ કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવી હતી. જો કે ફરીથી ત્રીજી લહેરના પગલે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.