પોલીસની ભરતી હોય અને વિવાદ સામે ન આવે તો જ નવાઇ, પણ આ વખતે તો વગર પરીક્ષાએ ભરતી કરાવી દેવાની લાલચ આપીને એક બંટી બબલી 12 ઉમેદવારોને છેતરી ગયા. ગુનેગારો તો સકંજામાં આવી ગયા પણ ઉમેદવારોએ નોકરીની સાથે સાથે પૈસા પણ ગુમાવાનો વારો આવ્યો છે.
ગુજરાતમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.. આ કહેવત તાજેતરમાં થઇ રહેલી પોલીસ ભરતીમાં બરાબર બંધ બેસે છે. વગર પરીક્ષાએ નોકરીએ લાગી જવાનો 12 ઉમેદવારોનો લોભ તેમને જ ભારે પડ્યો છે. જો કે, આ 12 ઉમેદવારોને લાખો રૂપિયા લઇને છેતરી જનાર બંટી બબલીને પોલીસે પકડી લીધા છે. વાત એવી છે કે મૂળ જૂનાગઢની વતની અને કેન્યામાં રહેતી ક્રિશ્ના ભરડવા અને તેનો પ્રેમી જેનિસ પરસાણાએ ઉમેદવારોને પોતાની જાળમાં ફસાવ્યા. ક્રિશ્ના અને જેનીસે સૌથી પહેલાં આશિષ ભગત નામનાં પરીક્ષાર્થીને પોતાનો શિકાર બનાવ્યો હતો, ત્યારબાદ આશિષનાં માધ્યમથી તેઓ અન્ય પરીક્ષાર્થીઓ સુધી પહોંચ્યા. ક્રિશ્ના અને જેનિસે પરીક્ષાર્થીઓને લાલચ આપી કે શારીરિક અને લેખિત પરીક્ષા આપ્યા વગર તેમને પોલીસમાં નોકરી અપાવી દેશે. તેમને થોડાક લાખ ખર્ચીને તે સીધું જ નોકરીનું પ્રમાણપત્ર આપવી દેશે. રાજકીય નેતાની ભત્રીજી હોવાની ઓળખ ક્રિશ્નાએ આપી હતી. પોલીસખાતામાં ઉંચી ઓળખાણ હોવાનું કહીને તેણે 10 લોકો પાસેથી 1.10 લાખ અને બે ઉમેદવારો પાસેથી ચાર લાખ એમ 12 ઉમેદવારો પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. ક્રિશ્ના અને જેનિસની વાતોમાં આવીને કોલ લેટર આવવા છતાં આ ઉમેદવારોએ શારીરિક કસોટી ન આપી.. પણ શનિવારે ભરતીનું પરિણામ જાહેર થતાં તેમાં પોતાનું નામ ન આવતા બે ઉમેદવારોએ ક્રિશ્ના અને જેનીસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ રાજકોટ પોલીસે આ બંટી બબલીની ધરપકડ કરી.
ક્રિશ્ના જૂનાગઢની અને જેનિસ જામનગરનો વતની છે. બંને થોડા સમયથી એકબીજાનાં પ્રેમમાં હોવાનું અને થોડા સમયમાં લગ્ન કરવાના હોવાનું સામે આવ્યું છે. બંને નાણાં લઇને વિદેશ ફરાર થઇ જવાનો પ્લાન કરતા હતા અને બંનેએ ઉમેદવારો પાસેથી પડાવેલા નાણામાંથી ગાડી ખરીદી હોવાનું પણ સામે આવ્યુ છે.