મારી પાસે ટ્રાફિક મેમોનો દંડ ભરવાના પૈસા નથી.. મને કિડની વેચવાની મંજૂરી આપો.. આવો પત્ર રાજકોટનાં એક વાહનચાલકે પોલીસ કમિશ્નરને લખ્યો છે.. કેમ કે, તેમને 5800 રૂપિયાનો ટ્રાફિકનો દંડ ફટકારાયો છે. રાજકોટનાં ગાંધીગ્રામ વિસ્તારનાં રહેવાસી પરેશભાઇ રાઠોડને ટ્રાફિક વિભાગે અત્યાર સુધીમાં રૂ.5800નાં ટ્રાફિક મેમો ફટકાર્યા છે.. અને આ દંડની રકમ ભરવા માટે પરેશભાઇ પાસે નાણાં નથી. એટલે એમણે પોલીસ કમિશ્નરને તથા સીએમને પત્ર લખીને કિડની વેચવાની મંજૂરી માગી છે જેથી તે દંડની રકમ ભરી શકે.
2018નાં વર્ષથી બાકી દંડની રકમની ઉઘરાણી કરવા જ્યારે ટ્રાફિકનાં પોલીસકર્મીઓ ઘર સુધી આવીને બાઇક ડિટેઇન કરવાની ધમકી આપી ગયા. ત્યારે પરેશભાઇએ વિરોધ કરવાની આ અનોખી રીત શોધી કાઢી. તેમનું કહેવું છે કે કરોડોનાં કૌભાંડો કરતા લોકોને બક્ષી દેવાય છે અને નાના માણસોને મેમો માટે હેરાન કરાય છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણનાં નામે સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ ટ્રાફિકનાં મેમો ફટકારવા માટે કરવામાં આવે છે.
અનેક વાહનચાલકો આવા નિયમોથી હેરાન-પરેશાન છે. વકીલોએ પણ આ મેમો સામે ઝુંબેશ છેડી હતી. ત્યારે હવે પરેશભાઇએ કિડની વેચવાની મંજૂરી માગતો પત્ર લખતા ટ્રાફિક વિભાગની કામગીરી ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. પરેશભાઇની માગણી ગેરવ્યાજબી હોઇ શકે.. પણ એ તો માનવું જ પડે કે ટ્રાફિક વિભાગનાં નિયમો માણસે માણસે જુદા હોય છે.