ભારતના અબજપતિ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત એરલાઇન Akasa Airને કેન્દ્ર સરકાર પાસેથી લીલી ઝંડી મળી ગઇ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇનને જરૂરી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જાહેર કર્યા છે, જે બાદ હવે તે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) પાસેથી એર ઓપરેટર પરમિટ માટે અરજી કરશે. એરલાઇનના આવતા વર્ષે ઉડાન શરૂ કરવાની આશા છે.
અકાસા એર બ્રાંડ હેઠળ ઉડાન ભરનારી SNV એવિએશને એક નિવેદનમાં કહ્યુ કે તેને મંત્રાલય પાસેથી NOC મળી ગયુ છે અને 2022 ઉનાળામાં આખા ભારતમાં ઉડાન શરૂ થવાની આશા છે.
અકાસા એરના સીઇઓ વિનય દુબેએ નિવેદનમાં કહ્યુ કે એરલાઇન સફળતાપૂર્વક લૉન્ચ કરવા માટે જરૂરી તમામ વધારાના અનુપાલનો પર નિયામક અધિકારીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.