કોરિયોગ્રાફર તથા ફિલ્મમેકર રેમો ડિસોઝાનો સાળો જેસન વોટકિન્સ મુંબઈના મિલ્લત નગર સ્થિત ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો છે. જેસનની બહેન લિઝેલે સોશિયલ મીડિયામાં ભાઈની તસવીરો શૅર કરી હતી. ફિલ્મ નિર્માતા રેમો ડિસોઝાના સાળા જેસન વોટકિન્સે આત્મહત્યા કરી લીધી છે. જેસન વોટકિન્સનો મૃતદેહ મુંબઈના મિલ્લત નગરમાં તેના ઘરેથી મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ તેણે પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જેસન રેમા ડિસોઝાની પત્ની લિઝેલનો ભાઈ હતો.
પોલીસે કહ્યું કે જેસન વોટકિન્સનો મૃતદેહ તેના ઘરે લટકતો જોવા મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતદેહને વિલે પાર્લેની કૂપર હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે જેસનની તબિયત ઘણા દિવસોથી ખરાબ હતી. તેના આત્મહત્યાનું કારણ ડિપ્રેશન હોવાનું કહેવાય છે.
લિઝેલે સો.મીડિયામાં ભાઈની ત્રણ તસવીરો શૅર કરી હતી, જેમાં એકમાં તેણે સવાલ કર્યો હતો કે ‘શા માટે?’ અન્ય એક તસવીરમાં તેણે કહ્યું હતું, ‘તું મારી સાથે આવું કેવી રીતે કરી શકે. હું ક્યારેય તને માફ કરીશ નહીં.’ છેલ્લી તસવીરમાં લિઝેલે કહ્યું હતું, ‘મમ્મી મને માફ કરી દે, હું નિષ્ફળ રહી.’રેમો તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. લિઝેલે પણ આ વિશે સીધી રીતે કોઈ માહિતી આપી નથી, પરંતુ તેણે તેના ભાઈની કેટલીક તસવીરો શેર કરી છે અને ખૂબ જ ભાવુક વાતો લખી છે.