ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના નિધનના સમાચારથી દેશભરમાં શોકની લહેર છે. 8 ડિસેમ્બરે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકૉપ્ટર ક્રેશમાં જનરલ રાવત, તેમના પત્ની અને સ્ટાફના લોકો સહિત 13 લોકોના મોત થયા છે. ભારતીય સેનાના સર્વોચ્ચ પદ પર રહ્યા બાદ પણ CDS જનરલ બિપિન રાવત હંમેશા પોતાના મૂળ સાથે જોડાયેલા રહ્યા. તેમનો આ જોડાણ પોતાના ગામની યાત્રામાં સ્પષ્ટ દેખાય છે.
રિટાયર થઇને ગામમાં વસવા માંગતા હતા જનરલ રાવત
ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં સ્થિત સેણા ગામમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા જનરલ બિપિન રાવત રિટાયર થઇને પોતામાં ગામમાં વસવા માંગતા હતા. પોતાના ગામની અંતિમ યાત્રા દરમિયાન જનરલ બિપિન રાવતે રિટાયરમેન્ટ બાદ પોતાની પત્ની સાથે ગામમાં વસવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની કુળદેવતાના પવિત્ર સ્થાન પર પૂજા પણ કરી હતી. પોતાના પરિવાર સાથે મળીને તે પોતાના ગામમાં રિટાયરમેન્ટ બાદ રહેવા માટે એક મકાન બનાવવાની પણ તૈયારી કરી રહ્યા હતા.
તે રિટાયરમેન્ટ બાદ પોતાના ગામ પરત ફરીને એક આદર્શ સ્થાપિત કરવાનું સ્વપ્ન જોતા હતા પરંતુ નિયતીને આ મંજૂર નહતુ.
પલાયનની સ્થિતિને લઇને ચિંતિંત હતા
CDS જનરલ બિપિન રાવતે ગામમાં મકાન બનાવવાના સબંધમાં પોતાના કાકા ભરતસિંહ રાવત સાથે વાતચીત પણ કરી હતી. તે ઉત્તરાખંડના ગામમાં પલાયનની સ્થિતિને લઇને ચિતિંત રહેતા હતા. 2018માં પોતાની ઉત્તરાખંડ યાત્રા દરમિયાન તેમણે પલાયનની સમસ્યાના સમાધાન માટે યોગ્ય પગલા ભરવાની વાત કરી હતી.
CDS જનરલ બિપિન રાવતના નિધનના સમાચારથી ગામમાં શોકનો માહોલ છે. ગામના લોકો આ વાત પર વિશ્વાસ નથી કરી શકતા કે તેમના ગામનો હોનહાર હવે તેમની સાથે નથી. ગામના લોકો પોતાના પુત્ર અને વહુના નિધનના સમાચારથી દુખી છે.