નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ટીમનો આગામી કેપ્ટન કોણ હશે? દિગ્ગજો અને ચાહકોનું માનવું છે કે કોહલીના સ્થાને રોહિત શર્માને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ મૂડમાં નથી.
વાસ્તવમાં, ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોહલીએ T20 ફોર્મેટમાંથી રાજીનામું આપી દીધું હતું. પછી બીસીસીઆઈએ તેની પાસેથી વનડેની કેપ્ટનશીપ પણ છીનવી લીધી હતી. આ નિર્ણય બાદ ભારતીય બોર્ડે T20 અને ODI ટીમની કમાન રોહિત શર્માને સોંપી દીધી છે. આવી સ્થિતિમાં રોહિતને પણ ટેસ્ટની કમાન સોંપવામાં આવે તેવી શક્યતા છે પરંતુ બીસીસીઆઈના સૂત્રોનું માનીએ તો હાલ આવી કોઈ સ્થિતિ દેખાતી નથી.
BCCI ના સૂત્રોએ જણાવ્યું કે પસંદગીકારો ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પર નવા નામની ચર્ચા કરવા લાગ્યા છે. જેમાં કેએલ રાહુલનું નામ પણ સુકાનીપદ માટે જે નામોની ચર્ચા ચાલી રહી છે. જો ટેસ્ટ અને લિમિટેડ ઓવરના ફોર્મેટમાં બે અલગ-અલગ કેપ્ટન બનાવવા માટે પસંદગીકારો વચ્ચે સમજૂતી થાય તો કેએલ રાહુલનું નામ ટેસ્ટમાં સૌથી આગળ આવી શકે છે. તેનું કારણ એ છે કે કેએલ રાહુલ ટીમનો વાઈસ કેપ્ટન પણ છે અને સારા ફોર્મમાં પણ છે. જોકે, બીસીસીઆઇ આ મામલામાં વિચારીને નિર્ણય લેશે. ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું નામ સામે આવી રહ્યું છે.