ઈન્ડિયન પ્રીમિયર લીગની બે નવી ટીમની જાહેરાત કરાઇ છે. અમદાવાદ અને લખનઉની ટીમો આગામી વર્ષે આઇપીએલમાં રમતી જોવા મળશે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી છે. તો CVC કેપિટલે 5,166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.
હાલમાં ઈન્ડિયન પ્રિમિયર લીગમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. તેમાં ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ,કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ,પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, અને સન રાઈઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે.
બે ટીમને ખરીદવા માટે કુલ 22 બિઝનેસ ગ્રુપે રસ દાખવ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ, ઈંગ્લિશ ફુટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના માલિક ગ્લેઝર પરિવાર, ટોરેન્ટ ફાર્મા, રોની સ્ક્રૂવાલા અને ત્રણ પ્રાઈવેટ ઈક્વિટી સામેલ છે.
આગામી સીઝનમાં IPLમાં ટીમની સંખ્યા વધીને 10 થઈ જશે. IPLમાં મેચની સંખ્યા પણ 60થી વધી 74 થઈ જશે. ખેલાડીઓની દ્રષ્ટીએ વાત કરીએ ટીમ વધવાથી ઓછામાં ઓછા 45થી 50 નવા ખેલાડીઓને IPLમાં રમવાની તક મળશે.
અમદાવાદની ટીમ ખરીદનાર સીવીસી કેપિટલ અમેરિકાની કંપની છે જેની વિશ્વના 25 દેશોમાં ઓફિસ છે. આ કંપની ઇક્વિટીમાં કામ કરે છે. લખનૌની ટીમ ઈતિહાસની સૌથી મૌંઘી ટીમ બની ગઈ છે જેની કિંમત 7000 કરોડ છે.
બીસીસીઆઇએ નવી ટીમો માટે 2000 કરોડ રૂપિયા બેઝ પ્રાઇસ નક્કી કરી હતી. આ અગાઉ 2010માં સહારા ગ્રુપે પૂણેની ટીમ માટે 370 મિલિયન ડોલરમાં ખરીદી હતી. આ અગાઉ 2008માં રિલાયન્સ ગ્રુપે મુંબઇ ઇન્ડિયન્સને 11.9 મિલિયન ડોલરમાં ખરીદી હતી. આ સાથે લખનઉ ઇતિહાસની સૌથી મોંઘી ટીમ બની ગઇ છે.