વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો કેસ સુપ્રીમ કોર્ટ પહોચી ગયો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં દાખલ અરજી પર સુનાવણી યોજાઇ હતી. હવે આ કેસની આગામી સુનાવણી સોમવારે યોજાશે.
પંજાબ સરકારે સુનાવણી દરમિયાન કહ્યુ કે સોમવાર સુધી તપાસ રેકોર્ડ અને સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજ કોઇ પણ તપાસ કમિટીને ના મળે તેના આદેશ આપવામાં આવે. જેની પર સુપ્રીમ કોર્ટે પંજાબ-હરિયાણા હાઇકોર્ટના રજિસ્ટ્રારને પ્રવાસ સબંધી રેકોર્ડ સુરક્ષિત કરવાના આદેશ આપ્યા છે.
શુક્રવારે સુનાવણી દરમિયાન પંજાબ સરકારના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે જો પોલીસની કમી છે તો એસપીજીની કમી પણ છે. રાજ્ય સરકારે સ્વતંત્ર તપાસ કમિટીની માંગ કરી છે. પંજાબ સરકારે કહ્યુ કે પીએમની સુરક્ષાને લઇને અમે કોઇ સમજૂતિ નથી કરી શકતા. પંજાબ સરકાર ખુદ ઇચ્છે છે કે નિષ્પક્ષ તપાસ થાય. જો સુપ્રીમ કોર્ટ ઇચ્છે છે તો અમે સ્વતંત્ર કમિટી બનાવીએ.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે વડાપ્રધાનની સુરક્ષાને લઇને અમે ગંભીર છીએ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પોત પોતાની કમિટી પર ખુદ વિચાર કરે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે આ દરમિયાન પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના રજિસ્ટ્રારને રેકોર્ડ સુરક્ષિત કરવાના આદેશ આપ્યા છે. તમામ કેન્દ્રની એજન્સીઓને તુરંત પોલીસનો સહયોગ કરવા કહ્યુ છે. સાથે સુપ્રીમ કોર્ટે એનઆઇએને કહ્યુ છે કે તે આ કેસની તપાસમાં સહયોગ કરે.