બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને છોડવા મુદ્દે થયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી થશે.ગોધરાકાંડ પછી બનેલા 2002ના બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં તમામ 11 દોષિતને જેલમુક્ત કરવામાં આવ્યા છે. 2008માં સીબીઆઈની વિશેષ અદાલતે તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી. જોકે તેઓ 2004થી જેલમાં હતા. આ તમામને આજીવન કેદને બદલે 15 વર્ષની સજા પૂરી થવાના આધારે 15 ઓગસ્ટના રોજ ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા…
ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર સુભાષિની અલી સહિત 4 લોકોએ ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની માગ કરી છે. આની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સવાલ એ છે કે શું ગુનેગાર ગુજરાતના નિયમો હેઠળ દોષિતો મુક્તિના હકદાર છે કે નહિ? અમારે જોવું પડશે કે મુક્તિ આપતી વખતે આને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે નહીં. ગુજરાતના ગોધરામાં 2002ના રમખાણો બાદ બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. તેના પરિવારના 7 લોકોની પણ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આમાંથી એક દોષિતે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે મુક્તિનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડી દીધો હતો. ગુજરાત સરકારે રિલીઝ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી હતી. આ કમિટીના રિપોર્ટના આધારે તમામ ગુનેગારોને મુક્ત કરવામાં આવ્યા હતા.