ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગની કાતિલ દોરી અનેક લોકો માટે પ્રાણ ઘાતક બનવા લાગી છે. ગઈકાલે ભરૂચમાં પતંગની દોરીએ એક યુવતીની જીવન દોરી કાપી નાંખી હતી. જે બાદ આજે ભરૂચમાંથી વધુ એક બીજો બનાવ સામે આવ્યો છે.
ભરૂચના અરુણોદય બંગલોઝમાં રહેતી એક મહિલાનું પતંગની દોરીના કારણે ગળું કપાયું હતું. આ મહિલા સ્કૂટી પર શહેરના ભૃગુઋષિ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. પતંગની દોરી ગળામાં ફસાતા તે ત્યાંજ ફસડાઈ પડી હતી. આ ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને મહિલાને હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
બારડોલીની નગિનભાઈની ચાલમાં રહેતા અને બારડોલી સુગર ફેક્ટરીમાં કામ કરનારા પ્રવિણભાઈ પટેલ શુક્રવારે સવારે બાઈક પર ગાંધી રોડ પરથી પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન કેનેરા બેંક નજીક પતંગની દોરી અચાનક તેમના મોઢા પર આવી ગઈ. જેથી પ્રવિણભાઈ દોરીને પકડવા ગયા, ત્યારે અચાનક સ્ટિયરિંગ પરથી તેમનું સંતુલન ખોઈ બેઠા અને તેઓ નીચે પટકાયા. આમ હજુ તો ઉત્તરાયણ બાકી છે ત્યારે કિસ્સાઓમાં વધારો થઇ શકે છે.
ઈડર તાલુકાના મુડેટી ગામમાં રવિવારે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતો 15 વર્ષીય બાળક પતંગ લૂંટવાની લ્હાયમાં દોડતા દોડતા ધ્યાનચૂક થઈ જતાં ગામના ઉંડા અવાવરૂ કૂવામાં ખાબકી ગયો હતો. જો કે ઘટના નજરે જોનારાઓએ તાત્કાલિક બૂમાબૂમ કરી મૂકતા ગ્રામજનો ઘટનાસ્થળે ટોળેટોળા વળ્યા હતા અને ઈડર ફાયર બ્રિગેડને કોલ આપતા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું હતુ. જેમાં બાળકને બહાર કાઢવા બાદ ઉપસ્થિત તબીબોએ તેને મૃત જાહેર કરતા બાળકના પરિવાર સહિત સમસ્ત ગામમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું.