બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થે સાયના નહેવાલ પર કરેલી એક ટ્વીટ બાદ માફી માગી છે. સાયનાની એક ટ્વીટને રી-ટ્વીટ કરી સિદ્ધાર્થે અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો હતો. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ તેનો વિરોધ વધતા આખરે નમતુ જોખી જાહેરમાં સાયનાની માફી માગી છે.
શું છે સમગ્ર વિવાદ
સાઇના નેહવાલે તાજેતરમાં વડાપ્રધાનની સુરક્ષામાં ખામીને લઈને એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે અરાજકતાવાદીઓ દ્વારા પીએમ મોદી પરના કાયરતાપૂર્ણ હુમલાને વખોડી કાઢ્યો હતો. સાયના નહેવાલની આ ટ્વીટ પર તામિલા એક્ટર અને બોલીવુડની સુપરહીટ ફિલ્મ રંગ દે બસંતીથી હિન્દી સિનેમામાં જાણીતા બનેલા સિદ્ધાર્થે એક ટ્વીટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે ‘દુનિયાના &% ચેમ્પિયન, ભગવાનનો આભાર અમારી પાસે ભારતના ડિફેન્ડર્સ છે.’ તેની કમેન્ટને કારણે અભિનેતાને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો હતો.
ટ્રોલ આર્મીએ ઉઘડો લીધો
સિદ્ધાર્થની આ ટ્વીટ પર સોશિયલ મીડિયામાં ટ્રોલ આર્મીએ ઝાટકણી કાઢી નાખી હતી. એક યુઝરે લખ્યું કે, ‘આ પ્રકારની ભાષા કોઈના માટે પણ, અને ખાસ કરીને જે લોકો જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે તેમના માટે શાંખી લેવામાં ન આવે. બીજા એક યુઝરે સિદ્ધાર્થની ધપકડ કરવાની માગ કરી. તો કેટલાક લોકોએ સિદ્ધાર્થને યાદ આપાવ્યું કે, સાયનાએ 2012 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ, 2015 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને 2017માં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.
પાપારાઝી આકરા મૂડમાં જોવા મળ્યાં
સાયના નહેવાલ પર કરેલી ટ્વીટ મુદ્દે સૌથી વધારે આકરા મૂડમાં પાપારાઝીઓ જોવા મળ્યા હતા. તેમણે રીતસરનો સિદ્ધાર્થનો બોયકોટ કરવાનું શરૂ કરી દીધો હતો. પાપારાઝી (ફિલ્મી ફોટોગ્રાફર) માનવ મંગલાનીએ સાયનાના સમર્થનમાં એક પોસ્ટ લખી કહ્યું કે, હવે હું મારા કોઈપણ પ્લેટફોર્મમાં સિદ્ધાર્થને કવર કરીશ નહીં. તેણે આગળ લખ્યું કે “તે તેની ઉછેર અને ગંદી માનસિક સ્થિતિ દર્શાવે છે. મેં નક્કી કર્યું છે કે હવેથી હું મારા કોઈપણ પ્લેટફોર્મ પર સિદ્ધાર્થને કવર નહીં કરું. ગેટ વેલ સૂન. આ પોસ્ટ પર સિદ્ધાર્થને માનવે ટેગ પણ કર્યું છે. માનવ મંગલાનીની આ પોસ્ટ પર સાઈનાએ પાપારાઝીનો આભાર માન્યો છે.
સાયનાનો પરિવાર પણ પરેશાન થયો
અભિનેતા સિદ્ધાર્થની ટિપ્પણી બાદ સાઈનાનો પરિવરા પણ વ્યથિત જોવા મળ્યો હતો. તેના પિતા હરવીર સિંહ નેહવાલે કહ્યું, ‘સિનેમા ઈન્ડસ્ટ્રીના એક અભિનેતાએ સાઈના વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરી છે. હું તેના નિવેદનની નિંદા કરું છું.
વિવાદ બાદ સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર કરેલી ટિપ્પણી બાદ સિદ્ધાર્થને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ પછી તેણે પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે મારી વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. જોકે, રાષ્ટ્રીય મહિલા આયોગે સિદ્ધાર્થની ટિપ્પણી પર નોટિસ મોકલી છે.
સિદ્ધાર્થનું માફીનામુ
વિવાદ બાદ સિદ્ધાર્થે સોશિયલ મીડિયા ઉપર એક લાંબી પોસ્ટ મુકી હતી. જેમા તેણે સ્પષ્ટા કરી કે,‘ડિયર સાયના, તારી એક ટ્વીટને લઇ મે કરેલી ઠઠ્ઠા મશ્કરી માટે માફી માગું છું. હું તારી ઘણી વાતને લઇ અસહમત હોઇ શકું છું, પરંતુ તારી ટ્વીટને લઇ મને નિરાશા સાંપડી અને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં અને નિરાશામાં મે જે શબ્દો અને ઉચ્ચારોનો પ્રયોગ કર્યો તેને યોગ્ય ઠેરાવી શકાય નહીં. હું હંમેશા ફેમિનિઝમ (નારીવાદ)નો સમર્થક રહ્યું છું. એક મહિલા તરીકે તારા પર તંજ કસવાનો મારો કોઇ ઇરાદો નહતો. હું આશા રાખું છું કે તમે મારા આ પત્રનો સ્વીકાર કરીશો. તમે મારી ચેમ્પિયન રહેશો.
જોકે, સિદ્ધાર્થ પહેલીવાર નથી જ્યારે સિદ્ધાર્થ કોઇ ટ્વીટને લઇ વિવાદમાં સપડાયો હોય, અગઉ રાજનીતિને લઇને કરેલા કેટલાક નિવેદનને લઇ વિવાદમાં આવી ચુક્યો છે.