સુંદર ત્વચા માટે ઘણા ઘરેલૂ નુસ્કાઓ અજમાવવામાં આવે છે, ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમારી ત્વચા અને બજારમાં સાવ સસ્તી કિંમતમાં મળતું પાઇનેપલ કેટલું ઉપયોગી છે. પાઇનેપલ એક ટ્રોપિકલ ફળ છે જેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે સ્કિનની ચમક વધારવા માટે બહુ જરૂરી છે. પાઇનપલમાં બ્રોમેલિન નામનું એક એન્ઝાઇમ હોય છે કે ત્વચાને વધુ સારી રીતે એક્સફોલિએટ કરે છે અને ત્વચાની ચમક વધારે છે. તેની મદદથી ફાટેલી એડીઓની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકાય છે.
કેટલાય વર્ષોથી આ ફળનો ઉપયોગ વિવિધ રોગોના ઘરેલુ ઉપચાર તરીકે કરવામાં આવે છે. વાળ અને ત્વચાના યોગ્ય સ્વાસ્થ્ય માટે પાઈનેપલ લાભદાયી છે. જો તમે પાઇનેપલના જ્યુસનું દરરોજ સેવન કરો અથવા પાઇનેપલ પેસ્ટને પોતાના ચહેરા પર લગાવો તો તેનાથી ચહેરાની ચમક વધી જાય છે. આ ઉપરાંત પાઈનેપલ ત્વચાની ઊંડે સુધી કેર કરે છે એટલે ત્વચાની ગંદકી નીકળી જાય છે અને ડેડ સ્કિન પણ નીકળી જાય છે.
ફાટેલી એડીઓને પહેલા જેવી કરવા માટે તમે પાઈનેપલને ખાંડ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને તેને એડી અને પગ પર લગાવીને સ્ક્રબ કરો. તમે એમાં થોડું મધ મેળવી શકો છો. ત્યારબાદ થોડા નવશેકા પાણીથી પગને ધોઈ લો. આ રીતે તમે પગની એડીઓને ક્રેક થવાથી બચાવી શકશો.