ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ 26 ડિસેમ્બરથી થશે. પ્રથમ ટેસ્ટ મેચ સેંચુરિયનમાં રમાશે. સિરીઝમાં ભારત 3 ટેસ્ટ મેચ રમશે. આ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના ખેલાડી કેટલાક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. સૌથી પહેલા અશ્વિન પાસે કપિલ દેવનો રેકોર્ડ તોડવાની તક હશે તો કોહલી પોતાના જ કોચ રાહુલ દ્રવિડના ખાસ રેકોર્ડને તોડવાનો છે. આ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ એક મોટુ કારનામુ પોતાના નામે કરી લેશે.
અશ્વિન પાસે ઇતિહાસ રચવાની તક
સૌથી પહેલા વાત કરીએ અશ્વિનની, ભારતના સ્પિનર અશ્વિન પાસે કપિલ દેવ જેવા દિગ્ગજનો રેકોર્ડ તોડવાની તક હશે. અશ્વિને અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 427 વિકેટ માટે છે. મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે પોતાની ટેસ્ટ કરિયરમાં 434 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. હવે અશ્વિન સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ દરમિયાન 8 વિકેટ લેવામાં સફળ રહે તો કપિલના આ રેકોર્ડને તોડી નાખશે. આવુ કરતા જ અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર બીજો બોલર બની જશે.ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ 619 વિકેટ ઝડપી છે.
મોહમ્મદ શમી 200 વિકેટ પૂર્ણ કરી શકે છે
ટેસ્ટ ક્રિકેટમાં મોહમ્મદ શમીએ અત્યાર સુધી 54 ટેસ્ટમાં 195 વિકેટ ઝડપી છે. હવે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ દરમિયાન શમી પાસે વિકેટોની બેવડી સદી ફટકારવાની તક હશે. શમી 5 વિકેટ ઝડપતા જ ટેસ્ટમાં 200 વિકેટ લેનાર પાંચમો ફાસ્ટ બોલર બની જશે. અત્યાર સુધી ટેસ્ટમાં 200 કે તેથી વધારે વિકેટ ભારતીય ફાસ્ટ બોલરમાં કપિલ દેવ, ઝહીર ખાન, ઇશાંત શર્મા અને જવાગલ શ્રીનાથે ઝડપી છે.
વિરાટ કોહલી પાસે રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડવાની તક હશે. વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકામાં જઇને અત્યાર સુધી 5 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન કુલ 558 રન બનાવ્યા છે. વિરાટ કોહલી સાઉથ આફ્રિકામાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ચોથો બેટ્સમેન છે. વિરાટ કોહલી આગળ ત્રીજા નંબર પર રાહુલ દ્રવિડ છે. દ્રવિડે સાઉથ આફ્રિકામાં 624 રન બનાવ્યા છે તો લક્ષ્મણે 566 રન બનાવ્યા છે. વિરાટ કોહલી પાસે દ્રવિડ અને લક્ષ્મણને પછાડવાની તક હશે. વિરાટ કોહલી જો 67 રન બનાવી લે છે તો દ્રવિડ અને લક્ષ્મણથી આગળ નીકળી જશે.
શું કોહલીની કેપ્ટન્સીમાં ભારત ઇતિહાસ રચી શકશે
અત્યાર સુધી સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. એવામાં શું આ વખતે કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ નવો ઇતિહાસ રચી શકશે. આ વર્ષે ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવીને નવી સિદ્ધિ મેળવી હતી. એવામાં આશા છે કે કોહલીની કેપ્ટન્સીમાં ભારત ટેસ્ટ શ્રેણી જીતીને નવા અધ્યાયની શરૂઆત કરશે.