હાલમા રાજ્યમાં ઠંડીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ઠંડીની આ મોસમમાં ભગવાનને પણ ગરમ વસ્ત્રો પહેરાવીને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. જગપ્રસિદ્ધ એવા દ્વારકાધીશ જગત મંદિરમાં શ્રીજીને શિયાળાની ઋતુની ઠંડી દરમ્યાન ખાસ વસ્ત્રો પરિધાન કરાયાં અને ખાસ ભોગ ધરાવામાં આવ્યો છે.. ઠંડીની આ મોસમમાં શ્રીજીને ઠંડીની અસર ના થાય એ માટે ચાંદીની સગડીમાં તાપણું કરી ગરમી આપવાનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ ભગવાનને ઠંડીના લાગે તે માટે કાશ્મીરી શાલ, સિલ્કની શાલ, રજાઈ જેવા પરિધાનનો શણગાર કરવામાં આવ્યો હતો અને આ ઠંડીથી બચવા ખાસ શિયાળામાં આરોગવામાં આવતા અળદિયા અને ઓળા રોટલાનો ભોગ ધરવામાં આવી રહ્યો હતો. તો મુખવાસમાં ઋતુ અનુરૂપ તજ, લવિંગ, સુંઠનો મુખવાસ અર્પણ કરી ઠંડી સામે રક્ષણ મળે તે મુજબ ભાવ વ્યક્ત કરવામાં આવ્યા હતા.
ભગવાનને શિયાળાની ઋતુમાં કરવામાં આવેલા આ ખાસ વસ્ત્રોના શણગારના દર્શન માટે મંદિર તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો સાથે જ કોરોનાની ગાઇડલાઇન અનુસાર ભક્તોને આ ખાસ ભાવ અને શણગારના દર્શન કરવા દેવામાં આવ્યા હતા.