ધોરણ 9થી 12ની પ્રથમ સત્ર પરીક્ષા 18મી ઓક્ટોબરથી રાજ્યભરની સ્કૂલોમાં લેવામાં આવનાર છે અને આ માટે બોર્ડ પરીક્ષા કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. પરંતુ બોર્ડે સ્કૂલોની માંગણીને પગલે બોર્ડના પ્રશ્નપત્રો વગર પોતાની રીતે તૈયાર કરેલા પ્રશ્નપત્રોથી આ પરીક્ષા લેવાની છુટ આપતા હાલ સોશિયલ મીડિયા પર પરીક્ષા મોકુફ થઇ ગઇ હોવાના સમાચાર વહેતા થયા છે. પરંતુ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે આ પરીક્ષા મોકુફ થઇ નથી અને 18મીએ જ લેવાશે.
ગુજરાત શિક્ષણ બોર્ડે હાલ વહેતા થયેલા સમાચાર અને અફવાઓને લઇને સ્પષ્ટતા કરતા તમામ સ્કૂલોને પરિપત્ર કર્યો છે કે ધોરણ 9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ 18મી ઓક્ટોબરથી જ શરૂ થશે અને જે 27મી ઓક્ટોબર સુધી ચાલશે. છેલ્લે ફેરફાર કરાયેલા સમય મુજબ જ પરીક્ષા લેવાની રહેશે.