મહેસાણાની તસનીમ મીર બુધવારે અંડર19 ગર્લ્સમાં વર્લ્ડ નંબર 1 બની છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. મહેસાણાની 16 વર્ષીય તસનીમ મીર અંડર 19 વર્લ્ડ નંબર-1 બનનારી ભારતીય પ્રથમ બેડમિન્ટન ખેલાડી બની છે.
નેશનલ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 6 વખત ચેમ્પિયન રહેલી મહેસાણાની 16 વર્ષીય ખેલાડી તસનીમ મીરની તાજેતરમાં ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી કરાઈ છે. ઇન્ડિયન સિનિયર બેડમિન્ટન ટીમમાં નાની વયે પસંદગી પામનારી પ્રથમ ગુજરાતી ખેલાડી છે.
મહેસાણાની વતની તસનીમ મીરે બૅડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ જુનિયર વુમન સિંગલ્સના રૅન્કિંગમાં વર્લ્ડ નંબર વન નું ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી મહેસાણા-ગુજરાત-ભારતનું ગૌરવ વધાર્યું છે તે બદલ એમને અને એમના પરિવારને ખુબ ખુબ અભિનંદન.
#Badminton #Tasnimmir #Gujarat pic.twitter.com/2f8YMYTiOb— MLA Sangita Paatil (@MLASangitaPatil) January 13, 2022
તસનીમ મીરના પિતાએ જણાવ્યુ કે, હું જ્યારે મહેસાણાના વણીકર કલબમાં બેડમિન્ટન રમવા જતો, ત્યારે તસનીમને પણ જોડે લઇ જતો. એ દરમિયાન તસનીમને બેડમિન્ટન રમતા જોઈ મને થયું કે તેનામાં રમવા માટેનું એક ટેલન્ટ છે. જેથી મેં પોતે જ તેને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. હું પોતે ક્વોલિફાઈડ કોચ છું. તસનીમને 3 વર્ષ માટે હૈદરાબાદ ગોપીચંદના ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવી હતી. બાદમાં તેણે આસામમાં પણ બે વર્ષ માટે ટ્રેનિંગ લીધી હતી.
તસનીમ મીરના પિતા ઈરફાન મીરે વધુમાં જણાવ્યું કે, તસનીમ જ્યારે છ વર્ષની હતી, ત્યારથી તેણે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે અભ્યાસની સાથે સાથે તેણે રમવાનું શરૂ કર્યું હતું. જોકે હાલ તે ખૂબ ઊંચા શિખરે પહોંચી છે અને મારા માટે એ ગર્વની વાત છે.