દુબઈઃ રોહિત શર્માના નેતૃત્વમાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. પ્રથમ ટીમે ટી20 શ્રેણી 2-1થી કબજે કરી હતી. ત્યારબાદ 3 મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં 10 વિકેટથી મોટી જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ માત્ર 110 રન જ બનાવી શકી હતી. જવાબમાં ભારતીય ટીમે કેપ્ટન રોહિતની અણનમ અડધી સદીની મદદથી 19મી ઓવરમાં વિના વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે ટીમને ICC ODI ટીમ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે અને તેણે પાકિસ્તાનને પાછળ છોડીને ટોપ-3માં સ્થાન મેળવી લીધું છે.
ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમના કુલ 105 પોઈન્ટ હતા. પ્રથમ વનડેમાં જીત સાથે તેને 3 પોઈન્ટ મળ્યા છે અને તેના કુલ પોઈન્ટ 108 થઈ ગયા છે. આ રીતે ટીમ ઈન્ડિયા ચોથા નંબરથી ત્રીજા નંબર પર આવી ગઈ છે. પાકિસ્તાનની ટીમના 106 પોઈન્ટ છે અને તે ત્રીજાથી ચોથા ક્રમે આવી ગઈ છે. ગયા મહિને, વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ અને ઓસ્ટ્રેલિયાની શ્રીલંકા સામેની ODI શ્રેણીની હાર બાદ તે નંબર 3 પર પહોંચી હતી.
ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની વાત કરીએ તો ભારતે 2 વધુ મેચ રમવાની છે. જો ટીમ બાકીની બંને મેચો જીતી લે છે તો પાકિસ્તાન પોઈન્ટ્સના મામલે વધુ લીડ મેળવી શકે છે. બીજી તરફ જો ભારતીય ટીમ બંને મેચ હારી જશે તો બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ ફરીથી નંબર-3 પર આવી જશે. પાકિસ્તાનને આગામી વન-ડે સીરીઝ ઓગસ્ટમાં નેધરલેન્ડ સામે રમવાની છે.
ન્યૂઝીલેન્ડની ટીમ ટોપ પર યથાવત છે
ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડ સામેની પ્રથમ બે વનડે જીતી હતી. ટીમ રેન્કિંગમાં 126 પોઈન્ટ સાથે ટોપ પર છે. ઈંગ્લેન્ડ 122 પોઈન્ટ સાથે બીજા, ભારત 108 પોઈન્ટ સાથે ત્રીજા અને પાકિસ્તાન 106 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. ઓસ્ટ્રેલિયા (101) 5માં, સાઉથ આફ્રિકા (99) 6માં, બાંગ્લાદેશ (96) 7માં, શ્રીલંકા (92) 8માં, વેસ્ટ ઈન્ડિઝ (71) 9માં અને અફઘાનિસ્તાન (69) 10મા ક્રમે છે.