ગુજરાતમાં સૌથી વધારે ક્રાઇમ જો ક્યાંય થતા હોય તો એ સુરત છે, સુરત હવે દિવસેને દિવસે ક્રાઇમ સિટી બનતુ જઇ રહ્યું છે. ત્યારે સુરતના પાંડેસરામાંથી એક એવો બનાવ સામે આવ્યો છે જે જાણીને ભલભલા ચોંકી ઉઠશે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આસામાજિક તત્વોના આતંકની એક ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં નાયરા પેટ્રોલ પંપ પર સળગતી દિવાસળી ફેંકીને પેટ્રોલ પંપને આગને હવાલે કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, બે વ્યક્તિઓ પેટ્રોલ પૂરાવવા માટે આવે છે. પેટ્રોલ પંપનો કર્મચારી પેટ્રોલ ભરી રહ્યો હોય છે. આ દરમિયાન એક શખ્સ મોબાઈલની ફ્લેશ લાઈટથી બાઈકની પેટ્રોલની ટાંકી જુએ છે. જ્યાં પંપ પર ફરજ બજાવતો કર્મચારી આવે છે અને બોલાચાલી બાદ તેને ફટકારવામાં આવે છે. પંપના કર્મચારીઓ હાથ જોડીને વિનંતી કરે છે. આમ છતાં આરોપીઓ દિવાસળીની સળી સળગાવીને પેટ્રોલ પંપના મશીન પર ફેંકી દે છે. જે બાદ બન્ને ઈસમો બાઈક લઈને ફરાર થઈ જાય છે. આ ઘટના અંગે પેટ્રોલ પંપ મેનેજમેન્ટ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.