રાજકોટમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે DJ પાર્ટી યોજાઈ હતી. ત્યાં DJના તાલે 1 હજાર જેટલાં યુવક-યુવતીઓ ઝૂમ્યાં હતાં.
આ અંગે મનોહરસિંહ જાડેજા, ડીસીપી ઝોન 2એ જણાવ્યું હતું કે પોલીસે રાત્રે તપાસ કરતાં પાર્ટી પૂર્ણ થઈ ગઈ હતી. આ વીડિયો મામલે CCTV ફૂટેજ માટે DVR મેળવી તપાસ કરાશે, પરંતુ મંજૂરી વગર પાર્ટી કરવા બદલ મારવાડી યુનિવર્સિટીના સંચાલકો અને જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.
આ મુદ્દે મારવાડી યુનિવર્સિટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી ચાલતી હતી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી હતી અને પાર્ટી બંધ કરાવી બધાને હોસ્ટેલ જવાની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે આ પાર્ટી રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં યોજાઈ હતી, પરંતુ પોલીસે ગુનો દાખલ કરવાની જગ્યાએ બધાને જવા દેતાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.મારવાડી યુનિવર્સિટીમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્ય અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હોસ્ટેલમાં પણ 1000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 900 જેટલા વિદેશી વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.