ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
કોરોના સંક્રમણ સાથે રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ પણ વધ્યા છે. કોરોના અને એમિક્રોનના આ વાઇરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી હરહંમેશ માનવજાતના કલ્યાણ, સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિત ચિંતક રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમિટના પૂર્વાધ રૂપે યોજાયેલી પ્રિ-વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સહયોગી કેન્દ્ર સરકારના મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓનો આભાર માન્યો છે.તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, વેપાર-ઉદ્યોગ મંડળોએ ખૂબ જ ટૂંકાગાળામાં આવી સમિટના આયોજનને સફળ બનાવવા માટે આપેલા સહકારને બિરદાવ્યો છે.