ગુજરાત પોલીસમાં પીએસઆઈ-એએસઆઈની ભરતી માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 ઓક્ટોબર છે. આ ભરતીની જાહેરાત તો માર્ચ 2021માં કરવામાં આવી હતી પરંતુ કોરોનાના કારણે તેની પરીક્ષાઓ લઈ શકાઈ નહોતી ત્યારે અરજી ફોર્મ ભરવાની હવે શરૂઆત થઇ ગઇ છે. ઉમેદવારો 27મી ઑક્ટોબર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
ગુજરાત પોલીસમાં હથિયારધારી પોલીસની સબ ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે અને મહિલા માટે 98 જગ્યા છે. જ્યારે પોલીસ સબ ઇન્સ્પેકટર પ્લાટુન કમાન્ડર માટે ફક્ત પુરૂષોની 72 જગ્યા છે. આ ઉપરાંત ઈન્ટેલીજન્સ ઓફિસરની કુલ 18 પુરૂષોની અને 9 મહિલાઓની જગ્યા છે. જ્યારે બિન હથિયારધારી પોલીસ મદદનીશ સબ ઈન્સપેક્ટરની પુરૂષોની 659 અને મહિલાઓની 324 જગ્યા છે. આમ કુલ પુરૂષોની 951 અને મહિલાઓની 431 જગ્યાઓ છે.
આ નોકરી માટે કોઈ પણ ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કર્યો હોવો ફરજિયાત છે. જયારે ઉમેદવારોની ઉંમર લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ. ઉંમરમાં અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળે છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી જ કરી શકશે.