ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષા આખરે રદ કરવામાં આવી હતી. પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાના સરકારે સ્વીકાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. અત્યાર સુધીમાં રૂ.30 લાખ રિકવર કરવામાં આવ્યા છે.ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. જો ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે. માર્ચ માસમા યોજાનાર આ પરીક્ષા સંદર્ભે ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાના રહેશે નહીં.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે.
ગૃહ રાજ્ય મંત્રીએ આગળ કહ્યું કે, આ ગુના સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓને છટકી જવાની કોઈ પણ તક મળે નહીં તે માટે ગુજરાત પોલીસની અલગ અલગ 24 ટીમો તપાસ માટે બનાવાઇ હતી અને 14 લોકોની ધરપકડ કરી દેવાઇ છે. રાજ્યના 88,000 પરિવારના સપનાઓ એળે નહીં જાય તેની રાજ્ય સરકારે પૂરેપૂરી દરકાર કરી છે. તેમજ આ કેસ કોર્ટમાં ફાસ્ટ ટ્રેક રીતે ચલાવાય તે બાબત પણ રાજ્ય સરકાર સુનિશ્વિત કરશે.