ગાંધીનગરઃ પોલીસના ગ્રેડ-પેને લઇને ચાલી રહેલા આંદોલનને લઇને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પોલીસ વડાએ ગ્રેડ-પેનો મુદ્દો ઉકેલવા કમિટીની રચના કરાઈ હોવાની જાહેરાત કરી હતી. આ કમિટીના અધ્યક્ષ બ્રિજેશ ઝા રહેશે. કમિટીમાં પાંચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. કમિટીને તમામ તપાસના અધિકાર આપવામાં આવ્યા છે. કમિટી ત્વરિત રિપોર્ટ આવે તેવી ભલામણ કરવામાં આવી છે.
આશિષ ભાટિયાએ કહ્યું કે ગેરશિસ્ત કરનારા સામે કાર્યવાહી કરાશે. સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ મુકવા બદલ 4 સામે ગુના નોંધાયા છે. રાજ્ય પોલીસ વડાએ સ્પષ્ટ કહ્યું હતું કે, પોલીસ પરિવાર અરજી કે રજૂઆત કરશે તો તેને કમિટી દ્વારા સાંભળવામા આવશે. પણ સમિતિમાં હાલ તેઓના સમાવેશની કોઈ આવશ્યકતા નથી.
કમિટી અધ્યક્ષ તરીકે પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) બ્રજેશ કુમાર ઝા, સભ્ય તરીકે નાણા વિભાગના સચિવ, સભ્ય તરીકે સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ, સભ્ય તરીકે ગૃહ વિભાગના નાયબ સચિવ જીગર પટેલ અને સભ્ય સચિવ તરીકે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી કચેરીના મુખ્ય હિસાબી અધિકારીનો સમાવેશ કરવામા આવ્યો છે.