પાણી મનુષ્યના જીવનમાં એક પ્રાથમિક જરૂરિયાત છે. પહેલેથી આપણે સાંભળતા આવ્યા છીએ કે જળ એ જ જીવન. પાણી જરૂરી છે અને તેથી તેની એક કિંમત પણ છે. સામાન્ય રીતે પાણી એક એવી વસ્તુ છે કે તેને આસાનીથી ખરીદીને પી શકાય છે અને તેનું કારણ છે પાણીની બોટલની નજીવી કે સામાન્ય કિંમત. આપણે જાણીએ જ છીએ કે દુનિયામાં ઘણા એવા પીણા કે ડ્રિંક્સ છે, જેની લાખો અને કેટલાકની તો કરોડોમાં પણ કિંમત છે. શેમ્પેન, વાઈન અને સિંગલ માલ્ટ વ્હિસ્કી વગેરે તેમના મોંઘાભાવ માટે જાણીતા છે.
આપણે સરળતાથી માની લઈએ છીએ કે આવા ડ્રિંક્સ મોંઘા હોઈ શકે છે. પણ શું ક્યારેય તમે વિચાર્યું છે કે પીવાના પાણીની કિંમત પણ લાખોમાં હોઈ શકે છે. જો અત્યાર સુધી તમારા મગજમાં આવો કોઈ વિચાર નથી આવ્યો તો હવે જાણી લો કે દુનિયાની સૌથી મોંઘી પાણીની બોટલની કિંમત એટલી છે કે તે એક બોટલની કિંમતમાં અમદાવાદ શહેરમાં એક 3 BHK ફ્લેટ ખરીદી શકાય છે.
એક સામાન્ય માણસ પાણીની બોટલ ખરીદવા માટે 20, 50 કે 100 રૂપિયા સુધી ખર્ચી નાંખે છે. ઘણી વખત પાણીની બોટલના 100 રુપિયા ચુકવવા પણ વધુ લાગતા હોય છે, પણ શું તમે જાણો છો કે દુનિયાનાં સૌથી મોંઘી પાણીની બોટલની કિંમત 500 કે 1000 રૂપિયા નહીં પણ 45 લાખ રૂપિયા છે. જી હાં, દુનિયાના સૌથી મોંઘા પાણીનું નામ એક્વા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયાની (Acqua di Cristallo Tributo a Modigliani) છે, જેની 750 ML પાણીની બોટલ માટે રૂપિયા 45 લાખ ચુકવવા પડે છે.
‘એક્વા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયાની’ એટલે કે દુનિયાનું સૌથી મોંઘુ પાણી ફ્રાંસ અને ફિઝીમાં એક નેચરલ સ્પ્રિંગ (Natural Spring)માંથી મળી આવે છે. કહેવાય છે કે જમીનની અંદરથી નીકળતા આ પાણીનો સ્વાદ ઘણો જ વિશેષ છે.
પાણી કેમ છે આટલુ મોંઘુ
નેચરલ સ્પ્રિંગમાંથી નીકળતું પાણી એક સામાન્ય બાબત છે. આપણા દેશમાં પણ આ પ્રકારની પાણીની બોટલ 50,100 કે 150 રૂપિયામાં વેચાતી જ હોય છે, ત્યારે સવાલ થાય કે એક્વા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયા શા માટે આટલુ મોંઘુ છે. આપને જણાવી દઈએ કે આ પાણી આટલુ મોંઘુ હોવા પાછળ કેટલાક કારણો છો જેમાં સૌથી પહેલું કારણ છે આ પાણી જેમાં ભરેલું આવે છે તે ખાસ બોટલ. ઉલ્લેખનીય છે કે આ પાણી માટેની બોટલ વિશ્વના સૌથી નામચીન બોટલ ડિઝાઈનર ફર્નાંન્ડો અલ્તામિરાનો (Fernando Altamirano) દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. આ બોટલની ખાસ વાત એ છે કે આ બોટલ 24 કેરેટ ગોલ્ડની બનેલી છે. આ પાણી સામાન્ય પાણી કરતા સ્વાદમાં પણ અલગ છે અને સામાન્ય પાણી કરતા ઘણી વધુ એનર્જી પણ આપે છે. વિશ્વની સૌથી મોંધી બોટલ કોન્યેક ડુડોગન હેરિટેજ હેનરી IV પણ ફર્નાંન્ડો અલ્તામિરાનો દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે.
સામાન્ય માણસ માટે આ પાણી ચાખવું પણ માત્ર એક સ્વપ્ન જ છે ત્યારે વિશ્વની કેટલીક હસ્તીઓ આ પાણીનો ઉપયોગ કરી ચુકી છે. ભારતમાં અંબાણી પરિવારની વહુ અને મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી આ પાણીનો ઉપયોગ કરે છે.