વિશ્વભરમાં ફરી એકવાર કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. બ્રિટનમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 30 હજારને પાર કરી ગઈ છે. ત્યારે ડોકટરોએ કોરોનાના કેટલાક એવા નવા લક્ષણો અંગે ચેતવણી આપી છે કે જેના વિશે લોકોને વધુ જાણકારી નથી. જે નવા લક્ષણો સામે આવ્યા છે એમાં આંખોની લાલાશ અથવા ઝડપથી વાળ ખરવાનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે કોરોના વાયરસ એન્જીયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઇમ 2 (ACE2) નામના એન્ઝાઇમ દ્વારા લોકોના કોષોમાં પ્રવેશ કરે છે. એવી આશંકા છે કે આ વાયરસ આંખો દ્વારા પણ શરીરમાં પ્રવેશ કરે છે. ડૉક્ટરોનું માનવું છે કે જ્યારે કોરોના ACE2 એન્ઝાઇમ દ્વારા શરીર પર હુમલો કરે છે, ત્યારે લોકોને લાગે છે કે આ સામાન્ય વાયરલ એટેક છે.
રિપોર્ટ અનુસાર, આંખોમાં ઘુસ્યા પછી, કોરોના વાયરસ રેટિના અને epithelial સેલ્સ પર એટેક કરે છે. આ બંને સેલ્સ આંખો અને પોપચાના ભાગોને સફેદ બનાવવાનું કામ કરે છે. ડોકટરોનું માનવું છે કે જ્યારે કોરોના વાયરસ આંખો પર એટેક કરે છે, ત્યારે માત્ર આંખો જ લાલ નથી થતી પરંતુ આંખો સોજી જાય છે, આંખમાંથી પાણી નીકળે છે અને આંખોમાં દુખાવા જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે. હાલમાં કોરોનાના આ નવા લક્ષણ પર સંશોધન ચાલી રહ્યું છે. અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી એસોસિએશન માને છે કે આ લક્ષણ તાવને કારણે પણ હોઈ શકે છે.
ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાનું બીજું નવું લક્ષણ ઝડપી વાળ ખરવાનું છે. સામાન્ય રીતે તાવ કે બીમારીને કારણે 2-3 મહિના સુધી વાળ ખરવાના કિસ્સા જોવા મળે છે. જો કે, જો તમે ફિટ દેખાઈ રહ્યા છો અને હજુ પણ વાળ ખરી રહ્યા છો, તો તેનો અર્થ એ હોઈ શકે છે કે તમે કોરોના વાયરસથી સંક્રમિત હોઈ શકો છો.