ગાંધીનગરઃ આણંદ પાસેના બોરીયાવી પાલિકામાં વિચિત્ર ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. અહીં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાવાયો છે. એટલુ જ નહિ, ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર પાસેથી દંડ વસૂલવાનો પણ નિર્ણય લેવાયો છે.
બોરીયાવી નગરપાલિકાના ચીફ ઓફિસરે આદેશ જાહેર કર્યો છે કે નગરપાલિકા પરિસર કે ચીફ ઓફિસર કે પ્રમુખની ચેમ્બરમાં ટૂંકા વસ્ત્રો (કેપરી, ચડ્ડો) પહેરી પ્રવેશ કરવો નહિ. જો માલૂમ પડશે તો દંડ વસૂલ કરવામાં આવશે. પાલિકાની બહાર આ પ્રકારનું બોર્ડ લગાવાયું છે.
આદેશને લઇને વિવાદ ઉભો થતા ચીફ ઓફિસરે ખુલાસો કર્યો હતો કે નગરપાલિકામાં છેલ્લા કેટલાંક સમયથી કેટલાંક લોકો કોઇ કામ અર્થે આવે ત્યારે કેપરી કે ટૂંકા ચડ્ડા પહેરીને આવતાં હતા. જેથી ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીઓ ક્ષોભ અનુભવતી હતી. ટૂંકા વસ્ત્રો પહેરીને પુરુષો જેમ તેમ બેસતા હતા, જેથી જોનારને પણ શરમ અનુભવાતી હતી. આ બાબત અમારા ધ્યાને આવી હતી. મહિલા કર્મીઓ ક્ષોભજનક સ્થિતિમાં ન મૂકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.