દેવદિવાળીના દિવસે પૂજા અર્ચના અને દાનનું અનેરુ મહત્વ રહેલું છે. લોકો દેવ દિવાળીના દિવસે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન પૂન કરતા હોય છે. તો કેટલાક સમાજની પારંપરિક રીત રિવાજ હોય છે જેમાં મંદિરમાં દાન કરવાનું હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પુરોહિત પરિવારે દેવ દિવાળીના દિવસે પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાજીના ચરણોમાં સવા કિલો સોનાનું છત્ર અર્પણ કર્યું હતું. તેમજ બાબુલાલ સોનાજી રાજપુરોહિત પરિવારે પાવાગઢ મંદિરને રૂપિયા 1.11 કરોડનો ચેક અર્પણ કર્યો હતો.
પાવાગઢ મંદિરમાં આટલું મોટું દાન અર્પણ કરનાર આ પહેલો પરિવાર છે. આ દાન સાથે જ પાવાગઢ મંદિરને ઇતિહાસનું સૌથી મોટું દાન મળ્યું હતું. સાથે જ પરિવારે દેવ દિવાળીના દિવસે માતાજીના ચરણોમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.