રાજકોટઃ રાજકોટમાં વિદ્યાનગર રોડ પર આવેલ એવરેસ્ટ સ્પામાં MD ડ્રગ્સનો વેપલો ચાલતો હોવાની ચોંકાવનારી અરજી રાજકોટ પોલીસ કમિશનરને કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અહીં સ્પામાં કામ કરતી પરિણીત યુવતીએ પોલીસ કમિશનરને અરજી કરીને જણાવ્યું હતું કે 8 હજાર વસૂલવા સંચાલક દેહ વ્યાપાર કરાવતો હતો અને અઠવાડિયામાં ચારવાર MD ડ્રગ્સ પણ લેવડાવ્યું હતું.
પરિણીતાએ જણાવ્યું હતું કે, સ્પા સંચાલક કિશન ઠાકોર અને તેની પત્ની મોના ઠાકોર સ્પામાં કામ કરતી યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવે છે.મારી પાસે દેહવ્યાપાર કરાવવા સંચાલક મોરબી મોકલતો હતો. મને પણ જબરદસ્તી કરી MD ડ્રગ્સ 4 થી 5 વખત લેવડાવ્યું હતું અને ડ્રગ્સના રૂપિયા પણ મારી પાસેથી લીધા છે.
રાજકોટ માદક દૃવ્યોના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયું છે, એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. અગાઉ મહિલા ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયા શહેરમાં યુવાનોને રીતસર ટાર્ગેટ કરીને પહેલા નશાના બંધાણી અને પછી પેડલર બનવા તરફ ધકેલવાની મોડસ ઓપરેન્ડી ચલાવી રહ્યાનું બહાર આવ્યું હતું અને બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. રૈયાધાર અને જંગલેશ્વરને નશાના કારોબારનું એપી સેન્ટર બની ગયું છે.