રાજ્યમાં એક તરફ કોરોનાનો આંક ગંભીર રીતે વધી રહ્યો છે, ત્યાં હવે સ્વાઇન ફ્લૂએ માંથુ ઉંચકતાં તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે હવે સ્વાઇ ફ્લૂએ ચિંતા વધારી છે. કારણ કે દેશમાં પ્રથમ સ્વાઇન ફ્લૂથી રાજ્યમાં એક દર્દીનું મોત થયું છે. દેશમાં સ્વાઇન ફ્લૂથી ગુજરાતમાં પ્રથમ મોત થયું છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પરથી આ માહિતી સામે આવી છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા રિપોર્ટમાં ગુજરાત સિવાય દેશના અન્ય કોઇ રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેસ ન નોંધાયો હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં રાજ્યમાં 2016થી એપ્રિલ 2022 સુધી સ્વાઇન ફ્લૂને કારણે કુલ 739 દર્દીના મોત થયાનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોના પહેલાં વર્ષ 2019માં સ્વાઇન ફ્લૂથી 151 દર્દીના મોત થયા હતા. તો ગત વર્ષ 2021માં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 33 કેસ નોંધાયા હતા. જેમાંથી બે દર્દીઓના મોત થયા હતા. સ્વાઈન ફ્લૂ એ ડુક્કર દ્વારા ફેલાતો ચેપી રોગ છે. સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા A ને H1N1 વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ચેપગ્રસ્ત માણસો અથવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તેના લક્ષણો ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જેવા જ છે. આ વાઇરસ તમારા નાક, ગળા અને ફેફસાંને લાઇન કરતા કોષોને ચેપ લગાડે છે.