અમદાવાદ: રાજ્યમાંથી માવઠાનો ડર ગયો છે. ડિસેમ્બરમાં હવે ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. જે બાદ ઠંડીમાં વધારો થઇ શકે છે. નોંધનીય છે કે, રવિવારે અમદાવાદમાં સામાન્ય ઘટાડા સાથે 18.8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
અમદાવાદમાં સામાન્ય રીતે વિઝિબિલિટી 4 કિલોમીટરની હોય છે. પરંતુ, શિયાળામાં વહેલી સવારે વિઝિબિલિટી ઘટીને 1થી 2 કિલોમીટરની થઇ જતી હોય છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, 9મીથી ઠંડીમાં વધારો શરૂ થશે. રવિવારે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી 11.8 ડિગ્રી સાથે નલિયામાં નોંધાઈ હતી. રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેર નોંધાશે નહીં. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે.