વડોદરાનું સોખડા હરીધામ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. એક કર્મચારીને સંતોએ માર માર્યાનો મુદ્દો તો હજુ ઉકેલાયો નથી. ત્યાં હવે મંદિરનાં સંતો પર દર્શનાર્થી મહિલાઓએ વ્યાભિચારથી લઇને ભ્રષ્ટ્રાચાર અને રૂપિયાની લેતી-દેતી સુધીનાં આરોપ મૂકી દીધા છે.
વડોદરામાં આવેલું સોખડા હરીધામ મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયનું આ એક ધાર્મિક સ્થળ છે પણ આ ધાર્મિક સ્થળ અને તેના સંતો પર એવા આરોપ લાગી રહ્યાં છે જે કોઇપણ ધાર્મિક સ્થળ માટે મોટું લાંછન કહી શકાય. સોખડા સ્વામિનારાયણ મંદિરનાં કેટલાક વીડિયો વાયરલ થયા છે, જેમાં મહિલા સેવિકાઓ વીડિયોમાં સંત પર ગંભીર આક્ષેપો કરી રહી છે. મંદિરનાં ટ્રસ્ટી જયંત દવે સામે મહિલાઓ સંતો વિરુદ્ધ બળાપો ઠાલવી રહી છે અને વ્યાભીચારથી લઇને રૂપિયાની હેરાફેરી અને લેતીદેતીનાં આરોપ પણ મૂકી રહી છે. મહિલા સેવીકાઓ કહી રહી છે કે તેમની પાસે તમામ પુરાવા પણ છે.
આ જ મંદિરમાં થોડા દિવસ પહેલાં કામ કરતાં અનૂજ ચૌહાણ નામનાં યુવકને માર મારવાનો વિડિયો વાયરલ થયો હતો. અને ત્યારથી આજ દીન સુધી અનુજ અને તેનો પરિવાર ભુગર્ભમાં છે. તેમને જીવનું જોખમ હોવાનું પણ તેમણે એક વીડિયો વાયરલ કરીને કહ્યું હતું. પણ સવાલ એ છે કે ધર્મનું સ્થાન ગણાતા મંદિરોમાં આ શું ચાલી રહ્યું છે.? કેમ આવા ધર્મસ્થાનોને વિવાદો અને આરોપોનું લાંછન લાગવા દેવાય છે..? વાત કોઇ એક મંદિર કે એક સંપ્રદાયની નથી.. દરેક સ્થળે આવી જ ગેરરીતિઓ બહાર આવે છે..