સાબરકાંઠા જિલ્લાના તલોદના મહિયલ ગામના જીવદયા પ્રેમી કૃણાલનું સર્પદંશથી મોત થયું છે. કૃણાલ તલોદના મહિયલ સહિત આસપાસના વિસ્તારોમાં નીકળતા ઝેરી સાપનું સફળ રેસ્ક્યૂ કરી તેને હેમખેમ ખુલ્લા જંગલમાં છોડી મૂકવાની ઉમદા ભાવના સાથે કાર્ય કરતો હતો. કૃણાલે અત્યાર સુધીમાં હજારો સાપનું સફળ રેસ્ક્યૂ કરી સાપના જીવ બચાવ્યા હતા. જેને લઈને સમગ્ર પંથકમાં “જીવદયા પ્રેમી” તરીકે તેણે આગવી ઓળખ ઉભી કરી હતી
કૃણાલની આ પ્રેરણાદાયી કામગીરીથી લોકોમાં સર્પ પ્રત્યે દયાની ભાવના કેળવાઈ હતી. જ્યાં-જ્યાં સાપ નીકળે, ત્યારે કૃણાલને ફોન કરવામાં આવે. જેથી કૃણાલ ત્યાં પહોંચી સાપનું સફળ રેસ્ક્યૂ કરીને તેને જંગલ વિસ્તારમાં છોડી દેતો. આવી જ રીતે શનિવારે મહિયલ વિસ્તારમાં આવેલી એક હોટલમાં કાળોતરો સાપ નીકળ્યો હોવાની જાણ થતાં કૃણાલ તાત્કાલીક ત્યાં પહોંચી ગયો હતો. જ્યાં સાપનું રેસ્ક્યૂ કરવા દરમિયાન કાળોતરા સાપે કૃણાલના હાથે દંશ દેતા તેની તબીયત લથડવા લાગી હતી. જેના કારણે કૃણાલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે મોતને ભેટ્યો હતો. કૃણાલની રવિવારે સવારે નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી.