અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાને ઘરમાં એકલી જોઈ ઘરે આવેલા સંબંધી યુવકે તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. પરિણીતાનો હાથ પકડી પાછળથી ગાલ પર કિસ કરી હતી. મહિલા ભાગવા જતા તેને બળજબરીપૂર્વક ખેંચી પલંગ પર સૂવડાવી અભદ્ર માંગણી કરી હતી. આ મામલે પરિણીતાએ તેના પરિવારજનો અને પતિને જાણ કરતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમરાઈવાડી વિસ્તારમાં 22 વર્ષીય પરિણીતા તેના પતિ અને બે વર્ષની દીકરી સાથે રહે છે. રવિવારે બપોરે પરિણીતા તેના ઘરે એકલી હતી ત્યારે તેના પિતાના મામા દીકરો ઘરે આવ્યો હતો. તેણે પૂછ્યું હતું કે, જમવાનું શું બનાવ્યું છે? એટલે પરિણીતાએ કહ્યું હતું કે, બટાકાનું શાક અને રોટલી બનાવી છે. જેથી યુવકે જલ્દી જમવાનું આપ નહીં તો હું તને ખાઈ જઈશ કહીશ એમ કહી મજાક કરી હતી. જેથી પરિણીતાએ આવી મજાક ન કરવા કહ્યું હતું.
બાદમાં યુવકે પાછળથી હાથ પકડી અને ગાલ પર કિસ કરી હતી. આવી હરકત કરતા યુવકથી દૂર જવા પરિણીતા બહાર નીકળી ગઈ હતી. પરંતુ યુવકે તેનો હાથ પકડી અને જબરજસ્તી પલંગ પર સુવડાવી દીધી હતી. બાદમાં પરિણીતાએ તેના પરિવારજનો અને પતિને ફોન કરી ઉત્તર પ્રદેશ ખાતે જાણ કરી હતી. પતિએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવાનું કહેતા અમરાઈવાડી પોલીસ આવી પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.