મુંબઈ: સ્મૉલ ફાઇનાન્સ બેન્કને પાયાની બેન્કિંગ સેવાઓ આપવાની પરવાનગી છે. જેમાં ગ્રાહકો પાસેથી ડિપોઝિટ સ્વીકાર કરવા અને લોન આપવાનું સામેલ છે. આ બેન્કને શરૂ કરવાનો અર્થ વસ્તીના તે ભાગને બેન્કિંગ સેવાના દાયરામાં લાવવાનો છે, જે મોટી બેન્કની સેવાઓથી દૂર છે.
ભારતમાં બેન્કિંગ ક્ષેત્ર રોકાણ અને બચત (Investment and savings) માટે એકથી એક ચઢિયાતા વિકલ્પો પૂરા પાડે છે. આમ તો કોરોના કાળમાં FD સહિતના રોકાણના વિકલ્પોમાં વ્યાજદરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.
પરંતુ અમુક બેંકો આજે પણ FDમાં યોગ્ય વ્યાજ આપવાનો પ્રયાસ કરે છે. જેમાં સ્મોલ ફાઇનાન્સ બેન્કો (Small finance banks) અને નાની ગણાતી ખાનગી બેન્કો નવી ડિપોઝિટ માટે ટોચની ખાનગી બેંકોની તુલનામાં ઊંચા વ્યાજદર ઓફર કરતી હોય છે. જેથી BankBazaarના ડેટા પરથી અહીં એક વર્ષની FD પર 6.50 ટકા સુધીનું વ્યાજ આપતી 5 બેંકો અંગે જાણકારી આપવામાં આવી છે.
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક: સ્મોલ ફાઇનાન્સ બેન્કોમાં સૌથી વધુ વ્યાજ સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક આપે છે. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક એક વર્ષના FD પર 6.50 ટકા વ્યાજ આપે છે. જેમાં ઓછામાં ઓછું રૂ. 1,000નું રોકાણ જરૂરી છે. રૂ. 1 લાખનું રોકાણ 1 વર્ષમાં વધીને 1.07 લાખ રૂપિયા થઈ શકે છે.
ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ : આ બેંકમાં પણ યોગ્ય વ્યાજદર ઓફર કરવામાં આવે છે. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ 1 વર્ષની FD પર 6 ટકા વ્યાજ આપે છે. અહીં રોકાણ કરવા પર 1 વર્ષમાં રૂ. 1 લાખની રકમ વધીને રૂ. 1.06 લાખ થઈ જાય છે. આ બેંકની FDમાં ઓછામાં ઓછું રૂ. 1,000નું રોકાણ કરવું પડે છે.
RBL બેંક : RBL બેંક 1 વર્ષની FD પર 6 ટકા વ્યાજ આપે છે. 1 વર્ષમાં રૂ. 1 લાખની રકમ વધીને 1.06 લાખ રૂપિયા થઈ જાય છે.
ઈક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક : આ યાદીમાં બીજા ક્રમે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક છે. જેમાં 1 વર્ષની FD પર 6.35 ટકા વ્યાજ મળે છે. અહીં રૂ.1 લાખની રકમ 1 વર્ષમાં વધીને 1.07 લાખ રૂપિયા થઈ શકે છે.
ઈન્ડસઈન્ડ બેંક : આ ઈન્ડસઈન્ડ બેંકમાં પણ હાલની પરિસ્થિતિનો યોગ્ય વ્યાજદર ઓફર કરવામાં આવે છે. આ બેન્ક 1 વર્ષની FD પર 6 ટકા વ્યાજ આપે છે. 1 વર્ષમાં રૂ. 1 લાખની રકમ વધીને રૂ. 1.06 લાખ થઈ જાય છે. અલબત્ત, તેમાં લઘુતમ રોકાણ રૂ. 10,000નું કરવું પડે છે.
ઉલ્લેખનીય છે કે, FD માટેનો ડેટા જે તે બેંકની વેબસાઈટ પર આપવામાં આવ્યો છે અને આ ડેટા 29 સપ્ટેમ્બર, 2021 સુધીનો છે. જે બેન્કોનો ડેટા વેરીફાઈ કરી શકાય તેમ નથી તેને યાદીમાં શામેલ કરાઈ નથી. ટર્મ ડિપોઝિટ એકાઉન્ટના પ્રકારને આધારે ઓછામાં ઓછાં રોકાણની રકમ બદલાઈ શકે છે.