કેપટાઉનઃ સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને ત્રીજી અને ફાઇનલ ટેસ્ટમાં 7 વિકેટે પરાજય આપ્યો છે. પોતાની પ્રથમ ઈનિંગમાં 223 રન બનાવનારી ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 198 રન બનાવી શકી હતી. સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 210 રન બનાવ્યા હતા. આ આધાર પર યજમાન ટીમને જીત માટે 212 રનની જરૂર હતી, જેને તેણે 63.3 ઓવરોમાં 3 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો.
ઈન્ડિયન ટીમને આ ટૂર જીતવા માટે ફેવરિટ ગણવામાં આવતી હતી. પરંતુ એક-બે બેટ્સમેન સિવાય મિડલ ઓર્ડર અને ઓપનર્સના ખરાબ પ્રદર્શનના કારણે વિરાટ સેના આ સિરીઝ પોતાને નામ કરી શકી નહોતી. 1992માં ભારતે પહેલીવાર દક્ષિણ આફ્રિકા પ્રવાસ કર્યો હતો, જેમાં છેલ્લા 30 વર્ષોમાં ઈન્ડિયન ટીમ એકપણ સિરીઝ ત્યાં જીતી શકી નથી.
ટેમ્બા બાઉમા 58 બોલમાં 5 ચોગ્ગાની મદદથી અણનમ 32 અને રાસી વાન ડર ડુસેને 95 બોલમાં 3 ચોગ્ગાની મદદથી અણનમ 41 રન બનાવ્યા હતા. પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાઈ હતી, જેને ભારતીય ટીમે 113 રને જીતી હતી. ત્યારબાદ આફ્રિકા ટીમે જોહનિસબર્ગમાં વાપસી કરી અને 7 વિકેટે જીત મેળવી સિરીઝ 1-1થી બરોબર કરી લીધી હતી. ત્યારબાદ કેપટાઉન ટેસ્ટ જીતીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે.
આ પહેલા સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસના સ્કોર બે વિકેટ પર 101 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. કીગન પીટરસને વાન ડુસેન સાથે મળીને ઝડપી બેટિંગ કરી હતી. તેણે 100 બોલમાં 54 રનની ભાગીદારી કરીને આફ્રિકાને મજબૂતી અપાવી હતી. જ્યાં સુધી પીટરસન મેદાનમાં હતો ત્યાં સુધી આફ્રિકા પ્રથમ સત્રમાં જીતી રહ્યું હતું. પીટરસને એલ્ગર (30) ની સાથે બીજી વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી.
આ પહેલા ભારતે રિષભ પંતની અણનમ સદી છતાં આફ્રિકાને જીતવા માટે 212 રનનો લક્ષ્ય આપ્યો હતો. બુમરાહે ત્રીજા દિવસે અંતિમ ક્ષણોમાં એલ્ગરને આઉટ કરીને ભારતની આશા જગાવી હતી. પરંતુ ચોથા દિવસે કોઈ ભારતીય બોલર કમાલ કરી શક્યો નહીં.