અરવલ્લીમાં થર્ટી ફર્સ્ટ પર દારૂની મહેફિલ માણતા સરકારી અધિકારીઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તપાસ કરતા અરવલ્લીના માલપુર અને બાયડના બે નાયબ મામલતદાર અણીયોર ગામે દારૂના નશામાં મળી આવ્યા હતા. આ મામલે DySPની ટીમે તમામને ઝડપીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે મહેસુલ મંત્રીએ બંને નાયબ મામલતદારો વિરુદ્ધ ખાતાકીય પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.
અરવલ્લીના અણીયોર ગામમાં ગીતા કિસાન સેવા કેન્દ્ર પેટ્રોલ પંપની પાછળની ઓરડીમાં 31મી ડિસેમ્બરે દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જે મામલે પોલીસ ત્યાં તપાસ કરવા પહોંચી હતી. અહીં પેટ્રોલ પંપની પાછળ ઓરડીમાં તપાસ કરતા માલપુર અને બાયડના જ નાયબ મામલતદાર જૈમિન પટેલ અને નિલેશ પટેલ દારૂ પીતા ઝડપાયા હતા. જેની સાથે વધુ બે વ્યક્તિ પણ હાજર હતા.પોલીસે બંને આરોપીઓને બાદમાં સીધી લીટીમાં ચાલવાનું કહેતા તેઓ લથડિયા ખાઈને ચાલી રહ્યા હતા. પોલીસે બંને સરકારી અધિકારી પાસે દારૂની પરમીટ માંગતા તેઓ પાસે પરમીટ ન હોવાનું જણાયું હતું.