અમદાવાદઃ જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી ચર્ચામાં આવી છે. લોકગાયિકાએ અમદાવાદના નિકોલમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે પોતાના પપ્પી એવા એબ્બી નામના ડોગનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. રાસગરબાની રમઝટ સાથે લોકગાયિકાએ એબ્બીના બર્થડે માટે અંદાજે રૂ. સાત લાખનો ખર્ચ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે.
નિકોલના મધુવન પાર્ટી પ્લાટ ખાતે 7 જાન્યુઆરીએ કાજલ મહેરિયાએ પોતાના પ્યારા ડોગ એબ્બીનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. સિંગરે એબ્બીનો બર્થ ડે ઉજવવા માટે ખાસ આયોજન કર્યું હતું. પાર્ટી પ્લોટના પ્રવેશદ્વાર પર મોટી સાઈઝની તસવીરો મૂકી હતી. તો એબ્બી સાથે કાજલ મહેરિયાની પણ તસવીર હતી. બર્થ-ડે પાર્ટીમાં કાજલ મહેરિયાએ પોતાના સૂર રેલાવ્યા હતા. પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમદાવાદમાં કોરોનાને પગલે સ્થિતિ ખરાબ છે તેવા સમયે આ પાર્ટીમાં પણ લોકોના ટોળા જોવા મળ્યાં છે.કાજલ મહેરિયાએ યોજેલા બર્થડે સેલિબ્રેશનમાં રૂ. 7 લાખ જેટલો મસમોટો ખર્ચ કરવામાં આવ્યો છે.