આજકાલ ઘરમાં પતિ અને પત્ની બંન્ને નોકરી કરતા હોય છે. વર્કિંગ વુમનની સંખ્યામાં મોટી માત્રામાં વધારો થયો છે. બાળકની સંભાળ માટે પારણાનો ઉપયોગ કરવામા આવે છે. પરંતુ ઘણીવાર મહિલાઓ માટે ઘરના કામની સાથે સાથે બાળકોને ઘોડિયામાં સૂવડાવી હીંચકો નાખવાનું કામ અઘરુ બની જાય છે. જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના મિકેનિકલ એન્જિનીયરીંગ વિભાગમાં અભ્યાસ કરતા છાત્રો તેજસ પરમાર, અંકિત ચિત્રોડા તથા વત્સલ પટેલે પ્રો. જય ભટ્ટના માર્ગદર્શન હેઠળ માતા પિતા માટે આશિર્વાદ સમાન એક મશીન બનાવ્યું છે.
ઘોડિયાને ઓટોમેટેડ હીંચકો નાખી સકાય તેવા મશીનની ડિઝાઇન બનાવતા પહેલા એક સર્વે પહેલા હાથ ધરવામાં આવ્યો હતો જેનાથી જાણી શકાયું કે ભારતમાં હજુ 50% થી પણ વધુ લોકો ઘોડિયાનો ઉપયોગ કરે છે જેને આ મશીન દ્વારા મદદ કરી શકાય. આ મશીનમાં એક હુક સાથે ઘોડિયાની દોરીને લગાવીને ઘોડિયાની જમણી કે ડાબી બાજુ પર રાખી દેવાનું હોય છે. ત્યાર બાદ સ્વીચ ઓન કરીને સ્પીડ એડ્જસ્ટર મદદથી જોઈતી સ્પીડ સેટ કરી દેવાની હોય છે. આ મશીનની ખાસિયત એ છે કે એ કોઈપણ ઘોડિયા સાથે એટેચ કરી શકાય છે જેમાં માત્ર 2-3 મિનિટનો સમય લાગે છે. વળી આ મશીન પોર્ટેબલ છે એટલે સાથે લઇ જવામાં પણ મુશ્કેલી પડતી નથી. ઘોડીયાને હીંચકો નાખવાની સ્પીડ પણ વધ-ઘટ કરી શકાય તેવી વ્યવસ્થા સાથે આપવામાં આવી છે.
હાલ મશીનનું પહેલું વર્ઝન તૈયાર છે જેનો ઉપયોગ ટેસ્ટિંગ માટે અમુક સિલેક્ટેડ લોકો કરી રહ્યા છે જેના અભિપ્રાય ખુબ જ સારા જણાયા છે. પ્રો. જય ભટ્ટે જણાવ્યું હતું કે આ મશીનના એડવાન્સ વર્ઝનની ડિઝાઈન પણ તૈયાર છે જેના પ્રોટોટાઇપ પર કામ ચાલી રહ્યું છે. નવું વર્ઝન વધુ પોર્ટેબલ, વજનમાં વધુ હળવું અને સૌથી ઓછી જગ્યા રોકનારું હશે