સુરતના જમણમાં ઊંધિયું ફેમસ છે. ત્યારે આ ઊંધિયામાં પાપડીનો ઉપયોગ ભરપૂર થાય છે. ત્યારે સુરતમાં પાપડીની ખેતીમાં ચાર ધોરણ ભણેલી મહિલા ત્રણ મહિનામાં એક લાખ રૂપિયાની કમાણી કરે છે. છેલ્લા 3 દાયકાથી ઉષાબેન પટેલ પાપડીની ખેતી કરે છે. હજીરા રોડ પર ભાઠા ગામે પોતાની 3 વીઘા જમીનમાં ઉષાબેન પાપડીનો પાક લે છે, જેનું જાતે જ ગ્રાહકોના ઘર સુધી વેચાણ કરીને માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં એકાદ લાખ જેટલી આવક મેળવે છે.
ઉષાબેન કહે છે, સુરતીઓને પાપડી વગર ચાલતું નથી. તમામ સુરતીઓ વેજ કે નોન-વેજમાં પાપડીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે અમે આ પાપડીની ખેતી વર્ષોથી કરીએ છીએ. ગ્રાહકોના એડવાન્સ બુકિંગ હોય તો સીધા તેમના ઘર સુધી એની ડિલિવરી પણ કરીએ છીએ.તેમણે કહ્યું કે અમે ગ્રાહકોને રોજેરોજની તાજી પાપડી જ આપવાનું પસંદ કરીએ છીએ. એકદમ ફ્રેશ પાપડીથી ભોજનમાં પણ સ્વાદ સારો આવતો હોવાનું ગ્રાહકો જણાવે છે.
200 રૂપિયાથી શરૂ થતી પાપડી સીઝનમાં વધુ ઉત્પાદન થાય એ વખતે 150 રૂપિયે આસપાસ વેચાતી હોય છે. ઉષાબેને કહ્યું હતું કે એક કિલોથી વધુ પાપડીની ખરીદી કરનારના ઘર સુધી અમે પાપડી પહોંચાડી દઈએ છીએ. સુરતીઓ એક ટાઈમ ભોજનમાં પાપડી ખાવાનું પસંદ કરતા હોય છે. પાપડીની ખેતીમાં પાણીની ઓછી જરૂર પડે છે, સાથે જ પાપડીનો પાક તૈયાર થાય ત્યારે રોજેરોજ એને ઉતારી લેવી પડતી હોય છે.