પાટણ શહેરમાં બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા હતા. ત્યારે ભાજપમાં જોડાયા બાદ જ અચાનક સોશિયલ મીડિયામાં તેમનો સસ્તા અનાજની દુકાન વાળાઓ પાસે પૈસા માંગતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
પાટણ આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ કિંજલ પ્રજાપતિ ભાજપના જિલ્લા પ્રમુખ દશરથ ઠાકોર અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલના હાથે કેસરીયો ધારણ કરી ભાજપ પક્ષમાં જોડાયા છે. ત્યારે બે દિવસ બાદ શનિવારે શહેરના વિવિધ સોશયલ મીડિયા ગ્રુપમાં આમ આદમી પાર્ટીના પૂર્વ મહિલા પ્રમુખ પ્રજાપતિ અને સસ્તા અનાજની દુકાન વાળાઓ વચ્ચે શહેરના ગુંગડી તળાવ પાસે આવેલ બહારના ચોકમાં પૈસાની લેવડદેવડ મામલે થઈ રહેલી વાતચીતનો એક વીડિયો ક્લિપ વાયરલ થયો હતો.
જેમાં સસ્તા અનાજની દુકાન વાળાઓ કિંજલ બેનને 5000 રૂપિયામાં વાત પતાવી દેવાની વાત કરીને પૈસા આપવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું તેમાં સંભળાઈ રહ્યું છે. ત્યારે આ વીડિયોને લઈને ભાજપ પક્ષ અને આમ આદમી પાર્ટી બંને રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યો છે.
વીડિયોમાં સંભળાતી વાતચીતના અંશ પુરુષો – કારણ કે પછી શું થાય ..5000 આપો એટલા બરાબર છે.બેન ..વ્યવહાર છે.. બેન – કાન્તિ ભાઈ અહીંયા ન કાઢો મારી ઇમેજ ખરાબ થાય છે.મારે તો લેવાના નહિ એ ભાઈને જે લેવાના .. એક પુરુષ – તો પછી ઘરે આવું તમે કહો તારે, તમે કહો તો આપી દઉં… પુરુષો અંદરો અંદર વાત: નહિ મેળ પડે. બેન – મારી વાત સાંભળો મને તો કીધું કાન્તિ ભાઈ બોલાવે એટલે આવી . મારી તબિયત સારી નથી. પુરુષો: દાદાગીરીની વાત નહિ.ઘરે જઈને આપી જાઉં .તમે કહો તો પતાઈ દઉં બીજું શું કહો. તમે સરખો આંકડો કહો. કીધું એટલે આપવું પડે બેન – ચાલો હું ઘરે જઈ ફોન કરાવું ..
આમ આદમી પાર્ટી માટે ફંડ એકત્ર કરવા પૈસા માંગ્યા હતા પરંતુ લીધાં ન હતાં આપના પૂર્વ મહિલા પ્રમુખ કિંજલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે તદ્દન ખોટી છે અને બીજો જે વિડીયો વાયરલ થયો છે જેમાં પૈસા લેવાની વાત છે તે ખોટું છે મેં ક્યારેય પૈસા લીધા નથી આમ આદમી પાર્ટીમાં ફંડ એકત્ર કરવા માટે પ્રદેશમાંથી સૂચના આવી હોય સસ્તા અનાજની દુકાન વાળા પાસેથી ફંડ લેવા માટે મેં વાત કરી હતી પરંતુ બાદમાં પણ લીધું ન હતું.ભાજપમાં જોડાતા મને ખોટી રીતે બદનામ કરાઈ રહી છે.
પક્ષના નામે પૈસા માંગતા હોવાનું ધ્યાનમાં આવતાં સસ્પેન્ડ કર્યા હતા આપ શહેર પ્રમુખ આપના શહેર પ્રમુખ ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે કિંજલ પ્રજાપતિ આમ આદમી પાર્ટીના નામે ખોટી પૈસાની માગણી કરતા હોવાનું ધ્યાને આવતા તેમને પક્ષ દ્વારા ચાર મહિના પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હાલમાં તેઓ પક્ષમાં કોઈ પણ હોદ્દા ઉપર હતા નહીં. પાર્ટી ફંડ એકત્ર કરવાનું ક્યારેય કહેતી નથી અને આવા પ્રકારનું કોઈ ફંડ પણ અમારે લેવાનું હતું નથી આવી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષ તાત્કાલિક સસ્પેન્ડ કરે છે.
વીડિયો મામલે ભાજપ મૌન રહ્યું
ભાજપ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે આ બેન ભાજપમાં જોડાયા છે પરંતુ તેમના વિશે અન્ય કોઈ માહિતી અમને મળી નથી કે તે પ્રકારનો વિડિયો પણ અમારા ધ્યાને હજુ સુધી આવ્યો નથી. જેથી આ બાબતે વધુ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
જૂનો વીડિયો હોઇ શકે
આપ દ્વારા રેડ કરવામાં આવતી હતી. તે સમયનો જૂનો વીડિયો હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા બાદ જ આ વીડિયો વાયરલ થતાં વિવિધ પ્રશ્નો ઉભા થયા હતા.