અમદાવાદ (Ahmedabad) ગુજરાત (Gujarat) રાજ્યનું સૌથી મોટું અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૨ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.
અંગ્રેજ શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અગત્યનો ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું.