ભારતીય અંડર-19 ટીમ એશિયા કપ ચેમ્પિયન બની ગઇ છે. ભારતે શુક્રવારે રમાયેલી ફાઇનલમાં શ્રીલંકાને ડીએલએસ મેથડ હેઠળ 9 વિકેટે હરાવ્યુ હતુ. આ સાથે જ ભારતે રેકોર્ડ આઠમી વખત અંડર-19 એશિયા કપ પર કબજો કરી લીધો છે. ભારતીય ટીમે પાકિસ્તાન વિરૂદ્ધ મુકાબલો હાર્યા બાદ ટૂર્નામેન્ટમાં જોરદાર વાપસી કરી હતી અને ફાઇનલમાં શ્રીલંકાને ધૂળ ચટાડી હતી.
ફાઇનલ મુકાબલાની પ્રથમ ઇનિંગ્સમાં વરસાદને કારણે 50 ઓવરની મેચને ઘટાડીને 38 ઓવરની કરવામાં આવી હતી. વરસાદ આવવા સુધી શ્રીલંકાની ઇનિંગ્સની 32 ઓવર પૂર્ણ થઇ ગઇ હતી બ્રેક પછી માત્ર 6 ઓવર રમવા માટે મળી હતી. જોકે, ભારતીય બોલરો સામે શ્રીલંકન બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા અને 38 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 106 રન બનાવી શક્યા હતા. 32મી ઓવર સુધી શ્રીલંકાએ 7 વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતને 102 રનનો પડકાર મળ્યો
ભારતીય ટીમ માટે સ્પિનર વીકી ઓસ્ટવાલ અને કૌશલ તાંબેએ કુલ 5 વિકેટ ઝડપી હતી. ભારતને 102 રનનો પડકાર મળ્યો હતો. ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને પ્રથમ વિકેટ 8 રનમાં પડી ગઇ હતી. હરનૂર સિંહ માત્ર 5 રન બનાવી આઉટ થયા હતા. તે પછી ઓપનર અંગકૃષ રઘુવંશી (56) અને શેખ રશીદ (31) 96 રનની અણનમ ભાગીદારી કરી ભારતને આઠમી વખત એશિયા કપમાં વિજેતા બનાવ્યા હતા.