લખનઉઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં ત્રણ તલાકનો કેસ સામે આવ્યો છે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ મકાનનું ભાડુ માફ કરાવવા માટે મકાન માલિક સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો હતો. પત્નીએ જ્યારે તેનો વિરોધ કર્યો તો પતિએ તેને ડિવોર્સ આપી દીધા હતા અને ફરાર થઇ ગયો હતો. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ મકાન માલિક સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. પતિનું કહેવું હતું કે તે મકાન માલિક સાથે સંબંધ બાંધશે તો ભાડુ માફ કરી દેશે. એટલું જ નહી તે ના પાડે તો તેની સાથે મારપીટ પણ કરતો હતો. જ્યારે તેણે મકાન માલિક સાથે સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો તો ડિવોર્સ આપીને ફરાર થઇ ગયો હતો.
પોલીસે કહ્યું કે પીડિતાની ફરિયાદ પર તપાસ કરવામાં આવી રહી છે. પીડિત મહિલા બે બાળકોની માતા છે. મહિલાનું કહેવું છે કે દહેજમાં મળેલો તમામ સામાન પણ તેના પતિએ વેચી માર્યો છે. એસપી વિનીત ભટનાગરે કહ્યું કે આ ગંભીર મામલો છે. તપાસ બાદ કડક કાર્યવાહી કરાશે.